‘SIR’, ફોર્મ-6 અને ECINET પર ચૂંટણી પંચ ઘેરાયું! રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં નવી અરજી, 48 સવાલોના જવાબ માંગશે I.N.D.I.A. ગઠબંધન
દેશમાં મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે રાજકીય વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને I.N.D.I.A. ગઠબંધનના અન્ય અરજદારોએ ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ ઉઠાવીને નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ચૂંટણી પંચના અન્ય બે કમિશનરોની ભૂમિકા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. અરજદારોએ SIR પ્રક્રિયા, ફોર્મ-6 અને ECINET સિસ્ટમને લગતા કુલ 48 પ્રશ્નોના જવાબ મેળવવા સુપ્રીમ કોર્ટની મંજૂરી માંગી છે. તેમની માંગ છે કે ચૂંટણી પંચના સંબંધિત અધિકારીઓ આ પ્રશ્નોના જવાબ સોગંદનામા દ્વારા રજૂ કરે. ખાસ કરીને SIR શરૂ કરવાનો નિર્ણય કેવી રીતે લેવાયો, ત્રણેય ચૂંટણી કમિશનરોની સંમતિ હતી કે નહીં અને મતદાર યાદીમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે, તે અંગે માહિતી માંગવામાં આવી છે.

SIR પ્રક્રિયા અંગે ત્રણેય ચૂંટણી કમિશનરોની સંમતિ પર સવાલ
અરજીમાં સૌથી મહત્ત્વનો મુદ્દો દેશભરમાં મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય છે. અરજદારોએ ચૂંટણી પંચને પૂછ્યું છે કે આ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય ક્યારે અને કઈ રીતે લેવામાં આવ્યો હતો? શું મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરો આ નિર્ણય સાથે સહમત હતા?
અરજદારોનું કહેવું છે કે ચૂંટણી પંચે અગાઉ એવો જવાબ આપ્યો હતો કે SIR સંબંધિત આદેશો તમામ સભ્યોની સંમતિથી જારી કરવામાં આવ્યા હતા. જોકે, હવે તેઓ આ સંમતિ અંગેના ચોક્કસ દસ્તાવેજો, ફાઇલો અને નિર્ણયની તારીખ જાણવા માંગે છે.
અરજીમાં એ પણ પૂછવામાં આવ્યું છે કે શું SIR, ECINET અને ફોર્મ-6 જેવા મુદ્દાઓ પર ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ મતભેદ કે અસહમતિ હતી? જો કોઈ કમિશનરે લેખિતમાં વાંધો નોંધાવ્યો હોય, તો તે વાંધા પર શું નિર્ણય લેવામાં આવ્યો હતો? શું કોઈ નિર્ણય બહુમતીના આધારે લેવામાં આવ્યો હતો? અરજદારો આ તમામ બાબતોની સ્પષ્ટતા ઇચ્છે છે.
ECINET અને ERONET સિસ્ટમમાં મતદાર યાદીના ડેટા અંગે 15 પ્રશ્નો
આ અરજીમાં ચૂંટણી પંચની ECINET અને ERONET ડિજિટલ સિસ્ટમ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારોએ આ સિસ્ટમોના વિકાસ અને તેમાં કરવામાં આવેલા ફેરફારો માટે જવાબદાર અધિકારીઓની વિગતો માંગી છે. ખાસ કરીને મતદાર યાદીમાં નામ ઉમેરવા, દૂર કરવા અથવા વ્યક્તિગત વિગતોમાં ફેરફાર કરવાની સત્તા કયા અધિકારીઓને આપવામાં આવી છે, તે જાણવા માંગવામાં આવ્યું છે.
આ ઉપરાંત, શું ખાનગી કંપનીઓના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અથવા સેવા આપતી એજન્સીઓને મતદાર યાદીના ડેટામાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી કે કેમ, તે અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો છે.અરજદારોએ એવી માહિતી પણ માંગી છે કે મતદાર યાદીમાં કરવામાં આવતા દરેક ફેરફારનો ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવે છે કે નહીં. કોઈ મતદારનું નામ યાદીમાંથી દૂર કરવામાં આવે અથવા ફરીથી ઉમેરવામાં આવે તો તેની સંપૂર્ણ વિગતો સિસ્ટમમાં સુરક્ષિત રહે છે કે કેમ, તે પણ જાણવા માંગવામાં આવ્યું છે.
બીજી તરફ, ઓનલાઇન ફોર્મ-6માં ઉમેરવામાં આવેલા નવા ઘોષણાપત્ર અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ ઘોષણાપત્ર ઉમેરવાનો નિર્ણય કયા અધિકારીએ લીધો અને ચૂંટણી પંચે તેને ક્યારે મંજૂરી આપી હતી, તેની વિગતો માંગવામાં આવી છે. આ ઉપરાંત, તેના કારણે કેટલી અરજીઓ નામંજૂર થઈ, કેટલી પેન્ડિંગ રહી અને કેટલી અરજીઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેનો હિસાબ પણ માંગવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળની અપીલો અને ચૂંટણી અધિકારીઓના એફિડેવિટની માંગ
અરજીમાં પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલો મુદ્દો પણ સામેલ કરવામાં આવ્યો છે. અરજદારોએ ન્યાયિક સત્તાવાળાઓ દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાની તરફેણમાં આપવામાં આવેલા આદેશો સામે ચૂંટણી પંચ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોની વિગતો માંગી છે.
આવી કુલ કેટલી અપીલો દાખલ કરવામાં આવી હતી, તેને દાખલ કરવાનો નિર્ણય કયા અધિકારીએ લીધો હતો અને શું આ માટે ચૂંટણી પંચની મંજૂરી લેવામાં આવી હતી, તેવા સવાલો પૂછવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ તમામ અપીલોની વર્તમાન સ્થિતિ અંગે પણ માહિતી માંગવામાં આવી છે.રાહુલ ગાંધી અને અન્ય અરજદારોએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે ચૂંટણી પંચના ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ભાનુ પ્રકાશ યેતુરુને સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા નિર્દેશ આપવામાં આવે. નોંધનીય છે કે તેમણે અગાઉ ચૂંટણી પંચ વતી જવાબ દાખલ કર્યો હતો.
જોકે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય બે ચૂંટણી કમિશનરોની વ્યક્તિગત સંમતિ તથા મંજૂરી સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ તેઓ પોતે સોગંદનામા દ્વારા આપે તેવી પણ માંગ કરવામાં આવી છે. ECINETને લગતા ટેકનિકલ પ્રશ્નોના જવાબ માટે ચૂંટણી પંચના ડાયરેક્ટર જનરલ (IT)ને જવાબદાર બનાવવાની વિનંતી કરવામાં આવી છે.
