અમરેલીનું દેવળિયા ગામ બન્યું ગૌરવનું પ્રતિક — સરપંચને મળ્યો શ્રેષ્ઠ સરપંચનો ખિતાબ
Devbhumi Devaliya village development: અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં આવેલ દેવભૂમિ દેવળિયા ગામે વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્યો કરીને સમગ્ર જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું છે. ગામે સામૂહિક સહકાર અને નવીન વિચારો દ્વારા વિકાસના અનેક માપદંડો હાંસલ કર્યા છે. તાજેતરમાં આ ગામની ગ્રામ પંચાયતને “શ્રેષ્ઠ ગ્રામ પંચાયત” તરીકે અને ગામના સરપંચને “શ્રેષ્ઠ સરપંચ” તરીકે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. સન્માન સ્વરૂપે દેવળિયા ગ્રામ પંચાયતને ₹1,00,000 નો રોકડ પુરસ્કાર તથા સરપંચ પ્રતિનિધિને ₹25,000 નો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું કે દેવળિયા ગામે લોકહિતના અનેક પ્રકલ્પો સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે, જેનાથી ગામમાં આધુનિક સુવિધાઓનો વ્યાપ વધ્યો છે. સરકારી યોજનાઓનો અસરકારક ઉપયોગ કરીને ગામે વિકાસની દિશામાં ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગામમાં પૌરાણિક વાવનું પુનઃનિર્માણ, તમામ રસ્તાઓને સી.સી. રોડ અને પેવર બ્લોકથી સજ્જ બનાવવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને CCTV કેમેરા સ્થાપિત, દરેક શેરીને નામ આપવામાં આવ્યું છે અને રાત્રે પૂરતી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ છે. જાહેર માહિતી વહેતી રહે તે માટે લાઉડસ્પીકર સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે.
દેવળિયા ગામે કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર અને નવું બસ સ્ટેન્ડ બાંધવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતને 100% ડિજિટલ બનાવી દેવામાં આવી છે. ગામમાં પીવાનું પાણી અને ગટરના નેટવર્કનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જેનાથી સ્વચ્છતા અને આરોગ્ય બંને ક્ષેત્રમાં સુધારો નોંધાયો છે.

વૃક્ષારોપણ અભિયાન હેઠળ સેંકડો વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેથી ગામ હરિયાળું અને સ્વચ્છ રહે. અમરેલી–મહુવા સ્ટેટ હાઈવે પરથી ફક્ત ત્રણ કિલોમીટર દૂર આવેલા દેવળિયા ગામ સુધી ડબલ પટ્ટી ડામર રોડ બનાવવામાં આવ્યો છે, જેમાં માર્ગના બાજુએ સુંદર વૃક્ષારોપણ કરાયું છે.
દેવભૂમિ દેવળિયા ગામે સ્વચ્છતા, શિક્ષણ, ડિજિટલાઇઝેશન અને હરિયાળું વાતાવરણ — આ ચારેય ક્ષેત્રોમાં આદર્શ સિદ્ધિ મેળવી છે. આ ગામે સાબિત કર્યું છે કે જો ગ્રામજનો અને પંચાયત એક થઈ કાર્ય કરે, તો નાનું ગામ પણ વિકાસનું પ્રતિક બની શકે છે.

