1,742 કિમીની જમ્મુ-ભુજ રેલી રાષ્ટ્રપ્રેમ અને ફિટનેસનો સંદેશ ફેલાવશે
Jammu-Bhuj BSF Motorcycle Rally: Border Security Force (BSF) દ્વારા Jammu BSF Marathon 2025 અને Jammu to Bhuj Motorcycle Rally નો ભવ્ય ફ્લેગ-ઓફ સમારોહ જમ્મુના શહીદ વીર દેવ સ્ટેડિયમ, BSF કેમ્પ પલૌરા ખાતે ઉજવાયો હતો. આ પ્રસંગે સરહદના રક્ષક જવાનોથી લઈને નાગરિકો, ખેલાડીઓ અને વિદેશી મહેમાનો સુધી સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ફિટનેસ, દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના ઉત્તમ સંકલન તરીકે ખ્યાતિ પામ્યો. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે BSF ના DG દલજિતસિંહ ચૌધરી, બોલીવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી, પ્રખ્યાત પેરા આર્ચર રાકેશ કુમાર, અને અભિનેતા વિવેક રાઝદાન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જમ્મુથી ભુજ (ગુજરાત) સુધીની મોટરસાયકલ રેલીને DG દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

BSF DG દલજિતસિંહ ચૌધરીએ વિજેતાઓને આપી શુભકામનાઓ
મેરેથોન પૂર્ણ થયા બાદ મુખ્ય મહેમાન અને ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતાઓને ટ્રોફી, મેડલ અને રોકડ પુરસ્કારોથી સન્માનિત કર્યા. DG દલજિતસિંહ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “રમતગમત માનવીમાં શિસ્ત, એકતા અને દેશપ્રેમની ભાવના વધારે છે. આવી ઘટનાઓ માત્ર ફિટનેસને જ નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતાને પણ મજબૂત બનાવે છે.” તેમણે ખેલાડીઓના ઉત્સાહ અને ભાગીદારીની પ્રશંસા કરી અને જણાવ્યું કે BSF હંમેશાં ફિટનેસ અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોને ઉજાગર કરતી રહી છે.
Jammu to Bhuj Motorcycle Rally — રાષ્ટ્રીય એકતાનો સંદેશ
Jammu to Bhuj BSF Motorcycle Rally 9 નવેમ્બરથી શરૂ થઈ અને 20 નવેમ્બર સુધી ચાલશે. આ રેલી આશરે 1,742 કિમીનો પ્રવાસ કરીને અનેક રાજ્યોમાંથી પસાર થશે. રેલીનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને ડ્રગ્સના દુરુપયોગ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાનો છે. BSF ના જણાવ્યા મુજબ, રેલી 9 નવેમ્બરનાં રોજ પંજાબમાં પ્રવેશી હતી અને ગુરદાસપુરની લિટલ ફ્લાવર કોન્વેન્ટ સ્કૂલ ખાતે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાં DIG ગુરદાસપુરની હાજરીમાં BSF જવાનો, NCC કેડેટ્સ અને સ્થાનિક નાગરિકોની વિશાળ સભા યોજાઈ હતી. આ પ્રસંગે શસ્ત્ર પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા યુવાનોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગૃત કરવામાં આવી.

10 નવેમ્બરે ગુરદાસપુર BSF હેડક્વાર્ટર પરથી રેલીને લીલી ઝંડી બતાવીને આગળ વધારવામાં આવી. રેલી હવે ડેરા બાબા નાનક, અજનાલા, અટારી બોર્ડર, ભીખીવિંડ અને ખેમકરણ માર્ગે ફિરોઝપુર તરફ પ્રસ્થાન કરશે અને અંતે ગુજરાતના ભુજ ખાતે સમાપ્ત થશે. આ BSF રેલી રાષ્ટ્રપ્રેમ, એકતા અને જવાનોનાં અવિરત સમર્પણનું જીવંત પ્રતિક બની રહી છે.

