પીએમ મોદીના આગમન પૂર્વે સુરત થયું ‘ક્લીન’: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાતે હાથમાં ઝાડુ પકડી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

સુરતમાં સ્વચ્છતાનો સંકલ્પ: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે હાથમાં ઝાડુ પકડી આપ્યો સ્વચ્છતાનો સંદેશ

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સુરત આગમન પૂર્વે સમગ્ર શહેરમાં ઉત્સાહ અને સફાઈનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગર ખાતે આયોજિત આ વિશેષ સફાઈ અભિયાનમાં મંત્રીએ સ્વયં જાતે જાહેર રોડ પર ઝાડુ લગાવીને નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પણ ખાસ ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં જોડાયા હતા.

surat1.jpg

સ્વચ્છતા એ પ્રાથમિકતા: સી.આર. પાટીલ

આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “વર્ષ 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી હતી, ત્યારે તેમણે સૌથી પહેલા સ્વચ્છતાને પ્રાથમિકતા આપી હતી. આ અભિયાનના પરિણામે આજે દેશભરમાં 12 હજાર કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું છે, જેનો સૌથી મોટો લાભ ગ્રામીણ વિસ્તારના લોકોને મળ્યો છે.” તેમણે ગર્વ સાથે ઉમેર્યું હતું કે આજે સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમાંકે છે, જેનો શ્રેય પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સખત મહેનત કરનાર સફાઈ કર્મીઓને જાય છે.

- Advertisement -

વડાપ્રધાનના આગમન પૂર્વે સફાઈનું ખાસ આયોજન

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ શહેરની મુલાકાત લેવાના હોય, ત્યાં અગાઉથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો તેમનો આગ્રહ હોય છે. તે અનુસંધાને આવતીકાલે સુરત પધારી રહેલા વડાપ્રધાનના સ્વાગત માટે આ સફાઈ અભિયાન હાથ ધરાયું છે. આ ઉપરાંત, શહેરમાં મેલેરિયા કે પાણીના ભરાવા જેવી સમસ્યાઓ નિવારવા માટે પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 900 જેટલા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

surat.jpg

‘સ્વચ્છતા માત્ર ઘર સુધી મર્યાદિત ન રહે’

નાગરિકોને અપીલ કરતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ માત્ર આપણા ઘર સુધી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લા, સોસાયટી, શહેર, રાજ્ય અને સમગ્ર દેશમાં તેને એક જીવનશૈલી બનાવવી જોઈએ.” તેમણે નોંધ્યું હતું કે પ્રધાનમંત્રીના અભિયાનને કારણે હવે બાળકોમાં પણ જાગૃતિ આવી છે, જેના કારણે તેઓ ચોકલેટના રેપર પણ હવે જાહેરમાં નાખતા નથી. અંતમાં મંત્રીએ સ્વચ્છતાની આ જાગૃતિનું દરેક નાગરિકને અનુકરણ કરવા આહવાન કર્યું હતું.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.