રાત્રે 2.30 વાગ્યે વિશાલ ફાર્મા કંપનીમાં બોઇલર ફાટતાં સાયખા GIDC ધ્રુજી ઉઠ્યું
Bharuch Saykha GIDC boiler blast: ભરૂચ જિલ્લામાં આવેલા સાયખા GIDCના ઔદ્યોગિક વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ભયાનક વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ વિસ્ફોટ વિશાલ ફાર્મા નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં થયો હતો. રાત્રિના આશરે 2:30 વાગ્યે કંપનીનું બોઇલર અચાનક ફાટતાં જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જણાવાયું છે.
ફાયર બ્રિગેડની ટીમો રાતોરાત ઘટનાસ્થળે દોડી
બોઇલર બ્લાસ્ટ પછી તરત જ વિશાલ ફાર્મા કંપનીમાં આગ ફાટી નીકળી, અને થોડી જ વારમાં GIDCના આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની અનેક ટીમો અને ફાયર ટેન્કરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. રાત્રિના અંધકારમાં અનેક કલાકો સુધી ચાલેલી આગ બુઝાવવાની કામગીરી બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. આ દુર્ઘટનાની અસર એટલી તીવ્ર હતી કે વિસ્ફોટના ઝટકે આસપાસની 4થી 5 કંપનીઓના સ્ટ્રક્ચર અને મશીનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. કેટલાક કારખાનાઓની બારીઓ અને દિવાલો પણ તૂટી પડી હતી.

બચાવ કામગીરી અને તંત્રની સતર્કતા
વિસ્ફોટ બાદ 108 એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પોલીસ તંત્ર તરત જ સ્થળ પર દોડી આવ્યું હતું. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, અને કાટમાળ હટાવવાની પ્રક્રિયા પણ ઝડપથી ચાલી રહી છે. સાયખા GIDC વિસ્તારમાં ઉદ્યોગોની ભીડને કારણે આ ઘટના રાત્રિ દરમિયાન પણ અનેક કિલોમીટર દૂર સુધી સાંભળાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ પણ રાતોરાત સ્થળ પર પહોંચી ગયા હતા.

મૃત્યુઆંક વધવાની આશંકા
હાલમાં સત્તાવાર રીતે એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે, પરંતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘણા ઈજાગ્રસ્તોની હાલત ચિંતાજનક હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા સેવાઈ રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા બ્લાસ્ટના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ બોઇલરમાં ટેક્નિકલ ખામી કે પ્રેશર સિસ્ટમની તકલીફને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના ધોરણો અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, અને રાજ્ય સ્તરે ઉદ્યોગ વિભાગ દ્વારા પણ પ્રાથમિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

