પુત્રને વિદેશ મોકલવા પિતાએ શરૂ કર્યો ગેરકાયદેસર ધંધો
Surat drug trafficking network: સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં પોલીસે ત્રણ એવા વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે, જેઓ શહેરમાં drug trafficking network ચલાવતા હતા. તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે મુખ્ય આરોપી પોતાના પુત્રને જર્મનીમાં “ઇન્ટરનેશનલ બિઝનેસ”માં એમબીએ કરાવવા માટે આ ગેરકાયદેસર ધંધામાં જોડાયો હતો.
વિદ્યાર્થી પણ ગાંજાની સપ્લાયમાં સંકળાયો
પોલીસ સૂત્રો મુજબ, જીતુ નાગજીભાઈ ધામેલીયા (રહે. સુરત) “ગોલ્ડન ઝોન સેન્ટર” નામની દુકાન ચલાવતો હતો. અહીં આવતા યુવાનોને તે હાઇબ્રિડ ગાંજો વેચતો હતો. આ ધંધામાંથી મળેલી કમાણી તે પોતાના પુત્રના વિદેશી અભ્યાસ માટે વાપરતો હતો. ચોક બજાર પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે રેડ કરવામાં આવી અને જીતુ ધામેલીયા સાથે ધ્રુવ પ્રફુલ પટેલ તથા જય સતીશ માવાણીની ધરપકડ કરવામાં આવી. તપાસમાં ખુલ્યું કે ધ્રુવ એક બીસીએનો વિદ્યાર્થી છે અને અંતિમ વર્ષમાં “ATKT” મળતાં તે આ ગેરકાયદેસર ધંધામાં જોડાયો હતો. ધ્રુવને હાઇબ્રીડ ગાંજો જય માવાણી પુરો પાડતો હતો.

સ્કોટલેન્ડ રિટર્ન યુવાનની ચોંકાવનારી હકીકત
જય માવાણીનું બેકગ્રાઉન્ડ વધુ ચોંકાવનારું છે. તે સુરતમાં બીબીએ પૂર્ણ કર્યા બાદ સ્કોટલેન્ડ એમબીએ કરવા ગયો હતો. પરંતુ “ઇન્ટરનેશનલ બિઝનેસ” કોર્સમાં નિષ્ફળતા મળતાં તે પરત ફર્યો. ત્યારબાદ વધુ કમાણીની લાલચમાં તેણે હાઇબ્રિડ ગાંજાનો વ્યવસાય શરૂ કર્યો. જય વિદેશથી પાછો ફરતાં અમેરિકન મોબાઈલ નંબર લઈને આવ્યો હતો, જેના માધ્યમથી તે પોતાના ગ્રાહકો અને સપ્લાયરો સાથે સંપર્ક રાખતો હતો. આ ટેકનિકથી તે સ્થાનિક તપાસ એજન્સીઓની નજરથી દૂર રહેતો. પરંતુ પૈસાની લેવડદેવડ ભારતીય મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટથી કરતાં આખરે પોલીસની જાળમાં આવી ગયો.

પોલીસની તપાસ અને વધુ કડીઓ સુધી પહોંચવાનો પ્રયાસ
પોલીસે ત્રણેય પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન્સ અને નશીલા પદાર્થના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ્સ જપ્ત કર્યા છે. હાલ ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ આ કાંડમાં વધુ લોકો જોડાયેલા છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્કના વિદેશી કનેક્શન પણ સામે આવી શકે છે. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સુરતના પોલીસ કમિશનરે યુવાનોને ચેતવણી આપી છે કે આવા ગેરકાયદેસર ધંધાથી જીવન અને ભવિષ્ય બંને બરબાદ થઈ જાય છે.

