ગાંધીનગરના લેકાવાડામાં દીપડો દેખાયો તેવો વીડિયો વાયરલ
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી વન્યજીવોના આવજાવના કારણે લોકોમાં થોડી ગભરામણ જોવા મળે છે. આ વચ્ચે લેકાવાડા ગામના ખેતરમાં દીપડો જોવા મળ્યો હોવાનો એક વીડિયો મોટી સંખ્યામાં વાયરલ થતા રાત્રે ખેતરમાં કામ કરતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો. વીડિયોમાં ટ્રેક્ટરના અવાજ, કામ કરતા ખેડૂતો અને અંધારું દેખાતું હોવાથી લોકો એ વાત માનવા પણ લાગ્યા કે વાસ્તવમાં ખેતરમાં દીપડો ફર્યો હતો. હાલ ગામમાં બટાકા વાવેતરની સિઝન હોવાથી રાત્રે ખેડૂત કાર્ય કરતા હોય છે, એવી પરિસ્થિતિમાં વીડિયો વધુ ચર્ચાનો વિષય બન્યો હતો.
સ્થાનિકોની પ્રતિક્રિયા
વિડિયો બાદ ગામમાં હવા જેવી ચર્ચા ફેલાતાં ખેડુતોએ જણાવ્યું કે વિડિયો જોઈને અમે પણ ગભરાઈ ગયા છીએ અને હાલ સમગ્ર ગામ ડરાયેલા માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. કેટલાક લોકોએ વન વિભાગને તાત્કાલિક જાણ પણ કરી હતી, જેથી ટીમ રાત્રે જ સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ હતી.

વન વિભાગની તપાસમાં મોટો ખુલાસો
વન વિભાગની ટીમોએ ઘટનાસ્થળે દીપડાના પગના નિશાનો અને અન્ય કોઈ પુરાવા શોધવા વિશેષ તપાસ કરી. પરંતુ કોઈપણ પ્રકારના વન્યજીવોનો અહેસાસ કે પુરાવો ન મળતાં વીડિયોની સત્યતા પર પ્રશ્ન ઉઠ્યો. ગાંધીનગર વન વિભાગના DCF રવિરાજસિંહ રાઠોડે જણાવ્યું કે લેકાવાડાના રાકેશ નામના યુવાને ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ વધારવા માટે આ વીડિયો બનાવ્યો હતો. વિભાગે સ્થળ પર સીધી તપાસ કર્યા બાદ વીડિયો સંપૂર્ણ ખોટો હોવાનું સ્પષ્ટ કર્યું છે. સવારે ફોરેસ્ટ હેલ્પલાઇન પર પણ આ વીડિયોને આધારે કોલ આવ્યો હતો, પરંતુ તપાસ બાદ તમામ વિગતો ફેક હોવાનું સામે આવ્યું.

ખોટા વીડિયો ન ફેલાવવા વન વિભાગની અપીલ
અધિકારીઓએ જણાવ્યું કે ગાંધીનગરની આસપાસ વન્યજીવોની આવજાવ સામાન્ય બાબત છે, ખાસ કરીને રાત્રિના સમયે તેઓ ખોરાકની શોધમાં બહાર નીકળે છે. પરંતુ ખોટા વીડિયો ફેલાવી લોકોમાં અકારણ ભય પેદા કરવો યોગ્ય નથી. વન વિભાગે સ્પષ્ટ અપીલ કરી છે કે આવી ગેરમાર્ગે દોરતી સામગ્રી ન બનાવી અને ન ફેલાવવી, જેથી અનાવશ્યક ડર ન સર્જાય.

