અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ત્રણ કેદીઓ દ્વારા અહેમદ પર ભયંકર હુમલો, તપાસ તેજ
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સુરક્ષા બેરેકમાં આજે વહેલી સવારે એક ગંભીર ઘટના સામે આવી છે. ગુજરાત ATS દ્વારા ગત રોજ પકડીને જેલ હવાલે કરાયેલા આતંકવાદી અહેમદ પર ત્રણ કાચા કામના કેદીઓએ મળીને અચાનક હુમલો કર્યો હતો. સવારે લગભગ સાત વાગ્યે બનેલી આ ઘટનાથી જેલ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક બેરેક તરફ દોડી આવ્યા હતા.
હુમલાની વિગત અને અહેમદની હાલત
ડેપ્યુટી પોલીસ કમિશનર ભરત રાઠોડે આપેલી માહિતી મુજબ, હુમલાખોરોએ અહેમદને ઘેરી લઈને તે પર મુઠ્ઠી, લાતો અને હાથમાં પહેરેલી લોખંડની વીંટીઓના ભારે ઘા કર્યા હતા. તેની આંખની નજીક, માથા પર અને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજા પહોંચી છે. અહેમદને તુરંત જ જેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું કહેવામાં આવે છે.
હુમલો કરનાર ત્રણેય કેદીઓ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા
પ્રાથમિક તપાસથી જાણવા મળ્યું છે કે હુમલો કરનાર ત્રણે કેદીઓ ગંભીર કેસોમાં જેલમાં છે.
– અનિલ કુમાર ખુમાણ – બે હત્યાના ગુનામાં આરોપી
– શિવમ શર્મા – હત્યાના કેસમાં આરોપી
– અંકિત લોધી – પોક્સો ગુનામાં આરોપી
આ ત્રણે કેદીઓ કાચા કામના હોવાને કારણે તેમની આચરણ નિયંત્રણ પર ખાસ નજર રાખવામાં આવતી હતી, છતાં તેઓ લોખંડની વીંટીઓ પહેરીને બેરેકમાં ભટકતા હતા તે ગંભીર બેદરકારી દર્શાવે છે.
ઘટનાનાં પગલે અધિકારીઓમાં દોડધામ
મળેલી માહિતી પ્રમાણે, અહેમદ બેરેકમાં લાવવામાં આવ્યા પછીથી જ તણાવનું વાતાવરણ હતું. અન્ય બે આતંકવાદી શંકાસ્પદો સાથે થયેલા બોલાચાલીના થોડા સમય બાદ આ ત્રણે કેદીઓએ અચાનક હુમલો શરૂ કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં તરત જ જેલ સુપરિન્ટેન્ડન્ટ, ATSના અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હુમલાખોર કેદીઓને તાત્કાલિક અલગ બેરેકમાં ખસેડવામાં આવ્યા છે અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 118 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો
આ ઘટના રાજ્યની સૌથી સુરક્ષિત માનાતી સાબરમતી જેલની વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા જગાવી રહી છે. આતંકવાદી શંકાસ્પદને જેલની અંદર જ હુમલો થાય તે સુરક્ષાની મોટી ખામી દર્શાવે છે. ગૃહ વિભાગ તરફથી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવી શકે છે અને CCTV ફૂટેજ સહિત તમામ પાસાઓની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવવાની સંભાવના છે.

