દૈનિક મુસાફરી કરનારાઓમાં GSRTC માસિક પાસની વધતી લોકપ્રિયતા
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ઉપલબ્ધ ST મુસાફરી પાસ રાજ્યના દૈનિક મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ સુવિધા રૂપે માનવામાં આવે છે. વિદ્યાર્થી, નોકરી કરતા લોકો અને વરિષ્ઠ નાગરિકો સહિત અનેક વર્ગના લોકો આ પાસનો નિયમિત ઉપયોગ કરે છે, જે તેમને ઓછી કિંમતમાં નિરાંતે મુસાફરી કરવાની તક આપે છે. નવસારી ST ડેપોમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો સુરત સહિતનાં શહેરોમાં કામ, અભ્યાસ અને વ્યવસાય માટે જતા હોવાથી આ પાસ તેમની રોજિંદી જરૂરિયાત બની ચૂક્યો છે.
18 દિવસના ભાડામાં 30 દિવસ અનલિમિટેડ મુસાફરીની સુવિધા
GSRTC દ્વારા અમલમાં મુકાયેલી નવી પાસ યોજના મુસાફરો માટે ખૂબજ લાભદાયી સાબિત થતી જોવા મળી રહી છે. હવે મુસાફરો માત્ર 18 દિવસનું ભાડું ચૂકવીને આખા 30 દિવસ સુધી ST બસોમાં અનલિમિટેડ સફર કરી શકે છે. નવસારી ડેપોના મેનેજર જણાવે છે કે દર મહિને આશરે 3,500 થી 3,600 પાસનું રિન્યુઅલ થાય છે, જે આ યોજનાની વધી રહેલી લોકપ્રિયતાનો સ્પષ્ટ દાખલો છે.
સ્ટુડન્ટથી લઈને નોકરિયાત સુધી સૌ માટે સુવિધાજનક વિકલ્પ
ડેપો મેનેજરે જણાવ્યું છે કે આ પાસ GSRTCની લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી તેમજ લક્ઝરી બસમાં માન્ય છે, જેથી મુસાફરોને દિવસભર ટિકિટ લેવાની કસરતમાંથી છૂટકારો મળે છે. પાસ લેવા માટે માત્ર બે પાસપોર્ટ સાઇઝના ફોટા, ફોર્મ અને જરૂરી માહિતી સાથે ટિકિટ બારી પર રજૂઆત કરવી પડે છે. પાસ તરત જ ઇસ્યુ થાય છે અને તેની સાથે મળતું ID કાર્ડ સાત વર્ષ સુધી માન્ય રહે છે. મુસાફરો પોતાની જરૂરિયાત મુજબ માસિક અથવા ત્રિમાસિક પાસ પસંદ કરી શકે છે.
રૂટ અનુસાર નક્કી થતા દર, અપ-ડાઉન કરનારાઓ માટે મોટી બચત
પાસની કિંમત રૂટ અનુસાર નક્કી થાય છે. જેમ કે નવસારી–સુરત રૂટ માટે માસિક પાસનો ખર્ચ અંદાજે 2,200 થી 2,300 રૂપિયા જેટલો રહે છે. મુસાફરી લોકલ, ગુર્જરનગરી કે એક્સપ્રેસ બસમાં હોય તેના આધારે પણ દરમાં થોડો ફરક પડે છે. નવસારી ડેપોના આંકડા મુજબ હજારો મુસાફરો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે અને 18 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરીથી તેમની માસિક બચત નોંધપાત્ર બની રહી છે. સાથે જ રોજની ટિકિટની ઝંઝટ અને વધતા મુસાફરી ખર્ચથી પણ પૂર્ણ રાહત મળે છે.

