આમ આદમી પાર્ટી અને આદિવાસીઓનો અનોખો વિરોધ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નજીક કરા નદી પર આવેલ વર્ષો જૂના પુલની ખરાબ સ્થિતિ સામે સ્થાનિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અનોખી રીતે અવાજ ઉઠાવ્યો. પુલ પર બનેલા ગાબડાં વાહનચાલકો માટે ગંભીર જોખમરૂપ બન્યા છે, જેને લઇ કાર્યકર્તાઓ પુલ પર જ બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. આવનજાવન દરમિયાન સતત વાહનોનો દબાણ રહેતો હોવાથી હાલ નો પુલ ભંગાઇ જવાની કગારે હોવાનું લોકોનું માનવું છે.
રામધૂન સાથે વિરોધ, પોલીસ અને આરએનબી અધિકારીઓ સ્થળ પર
વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનો અને આદિવાસી સમાજના લોકો પુલ પર ફૂલ ચઢાવી ભજન કરતાં બેઠા રહ્યા, જેને લઇ ટ્રાફિક ધીમો પડ્યો. સ્થિતિ પર કાબૂ મેળવવા કવાંટ પોલીસના પી.આઈ. પટેલ અને તેમની ટીમ સ્થળ પર પહોંચ્યા અને લોકો સાથે વાતચીત કરી. બાદમાં સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ પહોંચતા ચર્ચા આગળ વધી અને લોકો ધીરે ધીરે સાઇડમાં ખસ્યા, જેથી વાહનવ્યવહાર ફરી ચાલુ થઈ શક્યો.
રાધિકાબેન રાઠવાનુ નિવેદન, ભારે વાહનોના ભારથી જોખમ વધ્યું
જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ જણાવ્યું કે આ પુલ પરથી રોજ ભારે વાહનો પસાર થાય છે, પણ તેના સમારકામ પર લાંબા સમયથી કોઈ ધ્યાન નથી. જાહેર પ્રતિનિધિઓ અને સત્તાધીશો આ પુલનો ઉપયોગ કરે છે છતાં ખામી સ્પષ્ટ દેખાતી હોવા છતાં કાર્યવાહી થતી નથી. બિસ્માર ગાબડાં હોવાનું અને ક્યારેક ભારે દુર્ઘટના સર્જાઇ શકે તેમ હોવાથી રામધૂનથી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો તેમ તેમણે કહ્યું.
લોકોની માંગ – તાત્કાલિક સમારકામ કરવામાં આવે
સ્થાનિકોએ માંગણી કરી છે કે પુલની હાલત વધુ બગડતા ગંભીર દુર્ઘટના થઈ શકે છે અને સરકારને તેને અવગણવું જોઈએ નહીં. માર્ગ વિભાગે ત્વરિત કામગીરી શરૂ કરી પુલના સમારકામની ખાતરી આપવી જોઈએ તેવી ચર્ચા વિસ્તારમાં ફરી રહી છે. લાંબા સમયથી અવાજ ઉઠાવવામાં આવતા હવે પ્રશાસનના પ્રતિસાદ પર સૌની નજર છે, કારણ કે આ ઉપયોગી માર્ગ દૈનિક અનેક ગામોને જોડે છે.

