સગીરાઓને અયોગ્ય વિડિયો બતાવી ગેરવર્તન કરનાર રીક્ષાચાલક ઝડપાયો
બાળકોને સલામત રીતે શાળાએ પહોચાડવાનું કામ જે વ્યક્તિએ સંભાળેલું, તે જ વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્કૂલ રીક્ષાચાલક બાળકો સાથે અનૌચિત વર્તન કરતો હોવાની ફરિયાદ બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે. માતા-પિતા જેમણે સંતાનોને ભવિષ્ય માટે શાળામાં મોકલ્યા, તેમના માટે આ સમાચાર ભારે ચિંતાજનક છે.
22 વર્ષથી રીક્ષા ચલાવતા આરોપીની ધરપકડ
રામોલ પોલીસે રાજકુમાર રાજપૂત નામના આધેડને પકડ્યો છે, જે છેલ્લા બે દાયકાથી રીક્ષા ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આ વ્યક્તિ રામોલ વિસ્તારમાં આવેલી બે શાળાઓમાંથી બાળકોને લાવ-જાવ કરતો હતો. સગીરાઓ પાસેથી અયોગ્ય વર્તન કરાવવાનો અને અશ્લીલ સામગ્રી બતાવવાનો પ્રયાસ કરતો હોવાનો આરોપ છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સગીરાઓની વાતો સાંભળતાં માતાને શંકા
આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બે સગીરા પોતાની વચ્ચે રીક્ષાચાલકના વર્તન વિશે ચર્ચા કરી રહી હતી. આ વાત એક બાળકની માતા સુધી પહોંચી, જેને તરત જ શંકા થઈ અને પુછપરછ કરી. બાદમાં બાળકીઓ પાસેથી માહિતી મળતા આ કૃત્યનો ખુલાસો થયો. જાણકારી પ્રમાણે આરોપી છેલ્લા ચાર મહિનાથી બાળકોને નિશાન બનાવતો હતો અને તેમની માનસિક સુરક્ષાને જોખમમાં મૂકતો હતો.
હજુ કેટલાને નિશાન બનાવ્યા તેની તપાસ ચાલુ
હાલ પોલીસે આરોપીની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે કે તેણે કેટલા બાળકો સાથે આ હરકતો કરી. ભૂતકાળમાં તે અન્ય ક્યાંય રીક્ષા ચલાવતો હતો કે નહોતો, અને વધુ બાળકો આ શોષણનો ભોગ બન્યા છે કે નહીં તે પણ તપાસમાં છે. તંત્રે માતા-પિતાને સતર્ક રહેવા, બાળકોના વર્તનમાં ફેરફાર દેખાય તો તરત વાતચીત કરવા અને આવા કેસમાં વિલંબ ન કરવા અપીલ કરી છે.

