ધ્રુવ હેલિકોપ્ટર સાથે રાષ્ટ્રીય ગૌરવની ઝલક
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર અનોખું એરોબેટિક પ્રદર્શન આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 3 થી 5 ડિસેમ્બર દરમિયાન ટીમ દ્વારા પ્રેક્ટિસ સેશન યોજાશે અને 7 ડિસેમ્બરે સવારે 9.30 વાગ્યે જનતા માટે ભવ્ય જાહેર પ્રદર્શનનું આયોજન થયું છે. વાઇબ્રન્ટ પેઇન્ટેડ હેલિકોપ્ટરો અને સચોટ ફોર્મેશન ઉડાનો આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બનશે.
‘સારંગ’ નામ વાયુસેનાની પ્રોફેશનલ ભાવના અને ચોકસાઈનું પ્રતીક
મોરના સંસ્કૃત નામ પરથી અપાયેલો ‘સારંગ’ શબ્દ ભારતીય વાયુસેનાના ગૌરવપૂર્ણ સ્વભાવ અને અનુશાસિત કામગીરીને દર્શાવે છે. ટીમની શરૂઆતથી લઈને આજદિન સુધી તેમણે દેશ-વિદેશમાં હજારો લોકોનું મન મોહી લીધું છે. 2004માં સિંગાપોર એયરશો દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રદર્શનની શરૂઆત કર્યા પછી, ટીમે દુનિયાના 390થી વધુ સ્થળોએ 1,200થી વધુ પ્રદર્શન કરી પોતાની કળાની છાપ મૂકી છે.
‘ધ્રુવ’ હેલિકોપ્ટર દેશની ટેકનોલોજીકલ શક્તિનું પ્રતિક
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવાયેલું ‘ધ્રુવ’ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર સારંગ ટીમનો મુખ્ય આધાર છે. તમામ હવામાનમાં કાર્યક્ષમ અને વિવિધ મિશન માટે યોગ્ય આ હેલિકોપ્ટર દેશની આત્મનિર્ભર ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. ટીમ ખૂબ ચપળ ALH Mk-I મોડલનો ઉપયોગ કરે છે, જે તેની સ્થિરતા, ઝડપ અને વિશ્વસનીયતા માટે પ્રસિદ્ધ છે. અંકલેશ્વરના આકાશમાં જ્યારે સારંગ ટીમ રંગીન ઉડાન ભરશે, ત્યારે દર્શકોને વાયુસેનાની શિસ્ત, શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો જીવંત અનુભવ મળશે.

