યુસુફ બિલ્ડિંગના પાંચમા માળે ચાલી રહેલા ડ્રગ રેકેટનો ખુલાસો
સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાંથી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ મોડી રાત્રે ચલાવેલી કાર્યવાહી દરમ્યાન અફીણ અને ગાંજાના ગેરકાયદેસર ઉત્પાદનનું અંડરગ્રાઉન્ડ રેકેટ બહાર પાડી દીધું છે. ચણાની આડમાં અફીણની નાની ગોળીઓ તૈયાર કરી વેક્યૂમ એરટાઇટ પેકિંગ દ્વારા કેનેડા મોકલવામાં આવતી હતી. NCBએ સ્થળ પરથી કુલ 40 કિલો અફીણ જપ્ત કર્યું છે. આ સમગ્ર રેકેટ NRIના લાંબા સમયથી બંધ પડેલા ફ્લેટમાંથી ચાલી રહ્યું હતું.
આરોપી પરવેઝ દિલ્હીથી અફીણ લાવી કુરિયરથી મોકલતો
આ કેસમાં ઝડપાયેલ પરવેઝ નામનો વ્યક્તિ દિલ્હીના સપ્લાયર્સ પાસેથી અફીણ લાવતો અને પછી તેની ગોળીઓ બનાવી કુરિયર મારફતે વિદેશ મોકલતો હતો. તપાસમાં જણાયું છે કે પરવેઝ માત્ર મધ્યસ્થ તરીકે કામ કરતો હતો અને તેની પાછળ વધુ મોટા નેટવર્કની સંડોવણીની આશંકા છે. NCBની ટીમે આ દિશામાં તપાસ વેગવંતી કરી છે અને અન્ય સંભવિત સાગરિતોની શોધખોળ શરૂ કરી છે.
યુસુફ બિલ્ડિંગના પાંચમા માળે છાપો, ફેક્ટરીનો પર્દાફાશ
બાતમીના આધારે અમદાવાદ NCBની ટીમે લાલગેટ વિસ્તારમાં આવેલી યુસુફ બિલ્ડિંગના પાંચમા માળે છાપો માર્યો હતો. અહીં એક રૂમમાં ગેરકાયદેસર ઉત્પાદન માટે મશીનો, સુકવવાની સામગ્રી અને પેકિંગ સાધનો ગોઠવાયેલા હતા. આ ફ્લેટ લાંબા સમયથી લોક્ડ હતો અને પડોશીઓને પણ અંદર શું ચાલે છે તેની જાણ નહોતી. દરોડા સમયે ટીમે મોટી માત્રામાં અફીણ, ગાંજા અને વિવિધ પેકિંગ સાધનો કબ્જે કર્યા.
મુદ્દામાલ જપ્ત થતાં વિસ્તારમાં ખળભળાટ, NCBની ઊંડાણપૂર્વક તપાસ શરૂ
ફેક્ટરીમાંથી મળેલા મુદ્દામાલ અને મશીનો જોઈને ટીમે અનુમાન લગાવ્યું છે કે આ જગ્યાથી લાંબા સમયથી નશીલી પદાર્થોની સપ્લાય ચાલી રહી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ NCBએ ડ્રગ્સના સ્ત્રોત, તેની સપ્લાય ચેઇન અને વિદેશી રેકેટ સાથે જોડાણ અંગે વધુ તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં આવી ફેક્ટરી ઝડપાતા સ્થાનિકોમાં ચિંતા અને ચકચારનું વાતાવરણ ફેલાયું છે.

