મધ્યપ્રદેશથી આવી બાઈક ચોરી કરતી ટોળકી ઝડપાઈ, ત્રણ બાઈક સહિત મુદ્દામાલ જપ્ત
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી. અનેકવાર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છતાં ચોરો સરહદ પાર મધ્યપ્રદેશ તરફ ભાગી જતા હોવાથી તેમને પકડવામાં મુશ્કેલી ઊભી થતી હતી. સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાતાં પોલીસે વિશેષ ટીમ બનાવી તપાસને વધુ સઘન બનાવી હતી. સતત પ્રયાસો બાદ આખરે આ ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે.
ચારેય તસ્કરો મધ્યપ્રદેશનાં હોવાનો ખુલાસો
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરીની આ તમામ ઘટનાઓ પાછળ મધ્યપ્રદેશમાં વસતા ચાર યુવાનો સામેલ હતા. આ ગેંગ રાત્રિના સમયે ગરબાડાની આસપાસના વિસ્તારોમાં નિશાન બનાવી બાઈક ચોરતી અને રાજ્યની સરહદ પાર ભાગી જતી હતી. અનેક દિવસોથી ચાલતી તપાસમાં પોલીસે તમામ ટેકનિકલ માહિતી એકત્ર કરીને ચોરો પર નજર રાખી હતી. આ કવાયતના પરિણામે આખરે ટોળકી ગરબાડામાં જ પોલીસના હાથે ઝડપાઈ હતી.
ત્રણ બાઈક અને મોબાઇલ સહિત મુદ્દામાલ જપ્ત
ગરબાડા પોલીસના પીઆઈ એસ.એમ. રાદડિયાના માર્ગદર્શન હેઠળ થયેલી આ કામગીરીમાં ગાંગરડી ગામના એક ફળીયામાંથી ત્રણ ચોરાયેલી મોટરસાયકલ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે બે બાઈક ગરબાડા મેનબજારમાંથી અને એક બાઈક નિમચ ગામમાંથી ચોરાઈ હતી. ઉપરાંત, આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન સહિત કુલ 1 લાખ 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. તમામ બાઈક મૂળ માલિકોને પરત આપવા પ્રક્રિયા શરૂ થઈ છે.
ચારેય આરોપીઓની ઓળખ જાહેર
પોલીસે પકડેલા આરોપીઓમાં રાજદીપ કેશવાભાઈ મીનામા, કુલદીપ કેશવા મીનામા, શ્યામસિંગ દરુભાઈ ભુરીયા અને મુકેશ દીતિયાભાઈ ભુરીયાનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન તેમણે બાઈક ચોરીની અનેક ઘટનાઓમાં સંડોવણી કબૂલતી આપી છે. પોલીસ હવે આ ગેંગે અન્ય વિસ્તારોમાં પણ ચોરીઓ કરી હોય તેવી આશંકાને લઈને વધુ તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થતાં વધુ કડક પગલાં લેવામાં આવશે એવી માહિતી મળેલી છે.

