ગુજરાતની દીકરીઓને ઉંચું શિક્ષણ અપાવવા ‘નમો લક્ષ્મી યોજના’ બની મજબૂત આધાર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

૧૦ લાખથી વધુ વિદ્યાર્થિનીઓને મળેલી રૂ. ૧,૦૦૦ કરોડની સહાયથી શિક્ષણમાં આવ્યો ક્રાંતિકારી ફેરફાર

ગુજરાત સરકારે શરૂ કરેલી ‘નમો લક્ષ્મી યોજના’ રાજ્યની દીકરીઓ માટે શિક્ષણને માત્ર અધિકાર નહીં પરંતુ આત્મનિર્ભરતા તરફ દોરી જતું મજબૂત સાધન બનાવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજના કન્યા કેળવણીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પહેલ બની છે. અત્યાર સુધીમાં રાજ્યની ૧૦ લાખથી વધુ વિદ્યાર્થિનીઓને કુલ રૂ. ૧,૦૦૦ કરોડથી વધારેની નાણાકીય સહાય સીધી જમા કરવામાં આવી છે. આ સહાયથી ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારોનું શૈક્ષણિક ભારણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

દીકરીઓને ધોરણ ૯ થી ૧૨ સુધી મળતી વિશેષ સહાય

૨૦૨૫-૨૬ના બજેટમાં રાજ્ય સરકારે આ યોજનાને રૂ. ૧,૨૫૦ કરોડની મોટી જોગવાઈ આપી છે. ધોરણ ૯ થી ૧૨ પૂર્ણ કરનાર દરેક પાત્ર દીકરીને રાજ્ય સરકાર કુલ રૂ. ૫૦ હજાર સુધીની મદદ આપે છે. ધો. ૯ અને ૧૦ દરમિયાન મળીને રૂ. ૨૦ હજાર તેમજ ધો. ૧૧ અને ૧૨ દરમિયાન મળીને રૂ. ૩૦ હજારની સહાય આપવામાં આવે છે. દર મહિને ધોરણ મુજબ રૂ. ૫૦૦ અથવા રૂ. ૭૫૦ની રકમ સીધી બેંક ખાતામાં મળે છે, જ્યારે બાકીની રકમ બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા બાદ જમા કરવામાં આવે છે. ખાસ બાબત એ કે અન્ય સરકારી સ્કોલરશિપ મળતી હોવા છતાં આ સહાય વધારાની મળે છે.

namo laxmi yojana gujarat 1.png

- Advertisement -

પાત્રતા અને દસ્તાવેજોની સરળ પ્રક્રિયા

આ યોજનાનો લાભ તે તમામ વિદ્યાર્થિનીઓને મળે છે જેમણે ધોરણ ૮ સરકારી, અનુદાનિત કે આરટીઇ શાળામાં પૂર્ણ કર્યું હોય અને કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખથી ઓછી હોય. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં નોંધાયેલા ડેટાના આધારે વિદ્યાર્થિનીઓની માહિતી આપમેળે નમો લક્ષ્મી પોર્ટલમાં ઉપલબ્ધ બને છે. વર્ગ શિક્ષકો વિદ્યાર્થીનીઓના આધાર કાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો, બેંક પાસબુકની નકલ અને જન્મ તારીખ જેવી વિગતો પોર્ટલ પર દાખલ કરે છે. સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ બંનેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

સહાયની રકમ સમયસર જમા કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા

શૈક્ષણિક સત્ર શરૂ થતા જ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થિનીઓની ચકાસણી ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ જુલાઈ માસમાં જૂન અને જુલાઈની સહાય એકસાથ જમા થાય છે. બાકીના મહિનાઓની રકમ દર મહિનાની ૧૦મી તારીખ સુધી ખાતામાં પહોંચે છે જેથી શિક્ષણ દરમ્યાન કોઈ નાણાકીય અડચણ ન પડે. થોડા જ સમયગાળામાં ૧૦ લાખથી વધુ દીકરીઓને સહાય પહોંચાડીને રાજ્ય સરકારે યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકી હોવાનું સાબિત કર્યું છે.

- Advertisement -

namo laxmi yojana gujarat 2.png

રાજ્યની નારીશક્તિને નવા પાંખ આપતી લોકહિતકારી પહેલ

‘નમો લક્ષ્મી યોજના’ માત્ર નાણાકીય સહાયનું માધ્યમ નથી, પરંતુ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરતું એક ઉદ્દાત મિશન છે. પ્રાથમિક શિક્ષણ બાદ આર્થિક તંગીના કારણે કોઈ દીકરી અભ્યાસ ન છોડે તે ભાવનાને આ યોજનામાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંકલ્પને વાસ્તવિક સફળતા તરફ દોરી જતી આ યોજના રાજ્યની દીકરીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની ચાવી બની રહી છે. સરકારનો દૃઢ સંકલ્પ છે કે દરેક દીકરી આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે અને ઉચ્ચ શિક્ષણના નવા દ્વાર ખોલી શકે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.