સ્નિકોમિટર વિવાદ પર મિચેલ સ્ટાર્કે તોડી મૌન, DRS મુદ્દે ICC પર દબાણ વધાર્યું
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન સ્નિકોમિટર ને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. આ મુદ્દે હવે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક ખુલ્લેઆમ સામે આવ્યા છે અને તેમણે ICC પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
એડિલેડ ટેસ્ટમાં શું થયો હતો વિવાદ?
એડિલેડ ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સમાં સ્નિકોમિટર સંબંધી મોટી ભૂલ સામે આવી હતી. ટેકનોલોજી ઓપરેટરની ભૂલને કારણે વિકેટકીપર-બેટ્સમેન એલેક્સ કેરીને આઉટ આપવામાં આવ્યો નહોતો, જ્યારે બોલ અને બેટ વચ્ચે સ્પષ્ટ સંપર્ક હોવાની શંકા હતી.આ જીવનદાનનો લાભ લઈ એલેક્સ કેરીએ શાનદાર સદી ફટકારી અને મેચનો રુખ બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ ઘટનાના પગલે સ્નિકોમિટર અને DRS સિસ્ટમ પર ફરીથી સવાલો ઊભા થયા.
મિચેલ સ્ટાર્કની ICC સામે સ્પષ્ટ માગ
મેચ પૂર્ણ થયા બાદ મિચેલ સ્ટાર્કે આ મુદ્દે ICCને સીધી રીતે નિશાન પર લીધી. સ્ટાર્કે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતી DRS જેવી મહત્વપૂર્ણ ટેકનોલોજીનો ખર્ચ ICCએ પોતે જ ઉઠાવવો જોઈએ.તેમના મતે, અલગ-અલગ શ્રેણીમાં અલગ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ટેકનોલોજી કારણે નિર્ણયો વચ્ચે અસંગતતા જોવા મળે છે. જો એક જ સંસ્થા દરેક સિરીઝ માટે DRS, સ્નિકોમિટર અને અલ્ટ્રાએજ જેવી સિસ્ટમ આપે, તો નિર્ણયોમાં વધુ ચોકસાઈ અને સમાનતા આવી શકે.
“DRSમાં થતી ભૂલો ખેલાડીઓ અને દર્શકો બંને માટે મુશ્કેલી બની છે”
સ્ટાર્કે સ્વીકાર્યું કે DRSમાં વારંવાર થતી ભૂલો ફક્ત ખેલાડીઓ માટે નહીં, પરંતુ અમ્પાયરો અને દર્શકો માટે પણ ગૂંચવણ ઊભી કરે છે. તેમણે જણાવ્યું કે અમ્પાયરો જ્યારે DRSનો ઉપયોગ કરે છે, ત્યારે તેની જવાબદારી ICCની હોવી જોઈએ.એડિલેડ ટેસ્ટ દરમિયાન સ્ટાર્કે સ્ટમ્પ માઈક પર પણ સ્નિકોમિટર અંગે ટિપ્પણી કરી હતી, જે ખૂબ ચર્ચામાં આવી હતી. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે,“સ્નિકોમિટર હટાવી દેવું જોઈએ.”
એશિઝ શ્રેણીમાં વારંવાર DRS વિવાદ
સ્ટાર્કના કહેવા મુજબ, એશિઝ શ્રેણી દરમિયાન અનેક નિર્ણયો DRS અને સ્નિકોમિટર કારણે વિવાદાસ્પદ બન્યા છે. અલગ-અલગ ટેકનોલોજીના ઉપયોગથી અમ્પાયરોના નિર્ણયોમાં તફાવત જોવા મળ્યો છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ફરી એકવાર DRS પર ચર્ચા તેજ બની છે.માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ મેચ અધિકારીઓ અને ચાહકો પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ પણ ટેકનોલોજીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે.
પેટ કમિન્સનું પણ મોટું નિવેદન
ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ પણ આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે ઘણીવાર રીયલ-ટાઈમ સ્નિકો અને અલ્ટ્રાએજમાં તફાવત જોવા મળે છે.
કમિન્સના મતે,
- બોલર ઈચ્છે છે કે ટેકનોલોજી સંપૂર્ણપણે ચોક્કસ હોય
- જ્યારે બેટ્સમેનને શંકા રહે છે કે બિનજરૂરી સ્પાઈક પણ દેખાઈ શકે છે
અંતે, ખેલાડીઓને અમ્પાયરના અંતિમ નિર્ણયને સ્વીકારવો જ પડે છે, પરંતુ આવી ઘટનાઓ ક્રિકેટમાં ટેકનોલોજીની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન મૂકે છે.

