અમદાવાદમાં પાલતુ બિલાડીની નિર્મમ હત્યા, વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

વાયરલ વીડિયોથી ખુલાસો, પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ

અમદાવાદ શહેરમાં અબોલ જીવ પ્રત્યેની નિર્દયતાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાડજ વિસ્તારમાં એક યુવકે પાલતુ બિલાડીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો મામલો પ્રકાશમાં આવતા શહેરભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બિલાડીની હત્યા કરનાર યુવકની ધરપકડ કરી છે. પોલીસે પશુ ક્રૂરતા સંરક્ષણ અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખુલ્લા પ્લોટમાં લઈ જઈ પથ્થર મારી હત્યા

વાડજ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આરોપીનું નામ રાહુલ દંતાણી છે, જે વાડજના મહાદેવનગર ઓડાના વિસ્તારમાં રહે છે. આરોપીએ સહજ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં બિલાડીને લઈ જઈ પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ એનિમલ વેલ્ફેર સંસ્થાના સ્વયંસેવકોએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે એક્ટિવા વાહનના નંબરની મદદથી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે.

Ahmedabad cat cruelty case 1.jpeg

- Advertisement -

પાલતુ બિલાડી સાથે જ કરવામાં આવી ક્રૂરતા

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે જે બિલાડીને તેણે મારી નાખી હતી તે બિલાડી તે પોતે અને તેના બ્લોકના અન્ય રહેવાસીઓએ સાથે મળીને પાળી હતી. આરોપીના જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ તેની ગર્ભવતી પત્ની બિલાડીને દૂધ પીવડાવવા ગઈ હતી, તે દરમિયાન બિલાડીએ તેને ઇજા પહોંચાડી હતી. ડોક્ટરે આ ઇજાને ગંભીર ગણાવી હતી, જેના કારણે આરોપી ગુસ્સામાં આવી ગયો હતો. આ ગુસ્સો મનમાં રાખીને તેણે પાલતુ બિલાડીને કોથળામાં પૂરી ખુલ્લા પ્લોટમાં લઈ જઈ પથ્થર મારીને નિર્મમ રીતે હત્યા કરી હતી.

કાયદાકીય કાર્યવાહી અને શંકાસ્પદ મુદ્દાઓ

વાડજ પોલીસે આરોપી રાહુલ દંતાણી સામે પશુ ક્રૂરતા સંરક્ષણ અધિનિયમ-1960 તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 325 હેઠળ ગુનો નોંધી તેને કસ્ટડીમાં લીધો છે. પોલીસના જણાવ્યા મુજબ, વીડિયોમાં આરોપી સાથે દેખાતા અન્ય બે યુવકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. તેઓ આ ગુનામાં સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા હતા કે નહીં, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

- Advertisement -

Ahmedabad cat cruelty case 2.jpeg

આરોપીના દાવાની પણ તપાસ શરૂ

ઉલ્લેખનીય છે કે આરોપી બિલાડીની હત્યા માટે જે કારણ જણાવી રહ્યો છે, તે કેટલું સાચું છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બનાવની પ્રાથમિક તપાસ દરમિયાન બિલાડી કબૂતરોને મારી નાખતી હતી તેવી વાત પણ સામે આવી હતી. તેથી પોલીસે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વિગતવાર તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર અબોલ જીવો પ્રત્યે વધતી ક્રૂર માનસિકતા સામે કડક કાયદાકીય પગલાં લેવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.