2025નું વર્ષ દુખદ ઘટનાઓથી ભરેલું, સમાજ સામે ઊભા થયા સુરક્ષાના ગંભીર પ્રશ્નો
2025 એવું વર્ષ બનીને આવ્યું, જેને યાદ કરતાં મન પર ભાર અનુભવાય છે. વિકાસ, ઉત્સવ અને સફળતાની સાથે આ વર્ષે એવી ઘટનાઓ પણ સર્જાઈ, જેણે સમગ્ર સમાજને અંદરથી હચમચાવી દીધો. કેટલીક ઘટનાઓ અણધારી હતી, તો કેટલીક માનવ સંવેદનાને શરમાવે તેવી હતી. વારંવાર એવું લાગ્યું કે આપણે સલામતી અને સંવેદનશીલતા તરફ આગળ વધી રહ્યા છીએ કે નહીં, તે વિચારવું જરૂરી બની ગયું છે.
ગણેશ આગમનના દિવસે ખુશી વચ્ચે છવાયું મોત
26 ઓગસ્ટ 2025ના રોજ ગણેશ આગમનનો ઉત્સવ શોકમાં બદલાઈ ગયો હતો. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં હાઈટેન્શન લાઈન ઊંચી કરવાનો પ્રયાસ બે યુવાનો માટે અંતિમ સાબિત થયો. વીજ કરંટ લાગતાં પ્રિતેશ પટેલ અને મિતુલ પટેલના ઘટના સ્થળે જ મોત થયા. અન્ય પાંચ યુવાનો ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું.
માતા જ બની સંતાનો માટે કાળ
બીલીમોરાના દેવસર વિસ્તારમાં 2025ની સૌથી હૃદયવિદારી ઘટના સામે આવી. એક માતાએ પોતાના જ બે માસૂમ બાળકોને ગળાટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા. “સપનું આવ્યું હતું” એવું કારણ સામે આવતા સમાજ સ્તબ્ધ થઈ ગયો. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધી, પરંતુ બાળકોનું જીવન પાછું આવી શક્યું નહીં. આ ઘટના માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક તણાવ પર ગંભીર સવાલ ઊભા કરે છે.
સાયબર દુનિયામાં વધતો અદૃશ્ય ગુનો
2025માં સાયબર ગુનાઓએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. 10 ડિસેમ્બરે નવસારી સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો. ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ દરમિયાન ઝડપાયેલા આરોપીઓના ખાતાઓમાં 7.5 કરોડ રૂપિયાની હેરાફેરી સામે આવી. દુબઈથી સંચાલિત આ રેકેટે સાબિત કરી દીધું કે હવે ગુનાઓ મોબાઇલ અને બેન્કિંગ માધ્યમથી પણ ઘડાઈ રહ્યા છે.
પૂર્ણા નદીમાંથી મળી માતા અને દીકરીઓની લાશ
2 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણા નદીમાંથી મળેલા ત્રણ મૃતદેહોએ નવસારીને હચમચાવી નાખ્યું. એક ગર્ભવતી મહિલા અને તેની બે નાની દીકરીઓનો અંતિમ શ્વાસ નદીમાં સમાઈ ગયો હતો. CCTV દૃશ્યોમાં માતા બાળકોના હાથ પકડીને ઘર છોડતી દેખાઈ હતી. પરિવારજનોએ દારૂ પીતા પતિના ત્રાસને આ દુખદ પગલાંનું કારણ ગણાવ્યું, જે સમાજ સામે ગંભીર પ્રશ્ન બનીને ઉભરી આવ્યું.
જાહેર સ્થળે ગોળીબારથી સુરક્ષાનો પ્રશ્ન
નવેમ્બર 2025માં બીલીમોરા ખાતે સોમનાથ મંદિરના પ્રાંગણ નજીક ગોળીબારની ઘટના બની. સ્ટેટ મોનિટરિંગ સેલ પર થયેલા ફાયરિંગથી લોકોમાં અફરાતફરી મચી ગઈ. જાહેર સ્થળે થયેલી આ ઘટના કાયદા વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ચેતવણીરૂપ હતી. પોલીસે સમયસર કાર્યવાહી કરીને આરોપીને પકડી લીધો, છતાં લોકોના મનમાં ભય લાંબા સમય સુધી રહ્યો.

