ઉકાળેલું પાણી અને સ્વાસ્થ્ય: શું તમે પણ કરી રહ્યા છો આ 3 મોટી ભૂલો? સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
સામાન્ય રીતે ચેપ અને બીમારીઓથી બચવા માટે ઉકાળેલું પાણી પીવું સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ખોટી રીતે ઉકાળેલું કે સંગ્રહિત કરેલું પાણી તમારા સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે? તાજેતરના અભ્યાસો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પાણી ઉકાળવાની અને રાખવાની આદતોમાં સુધારો કરવો અત્યંત જરૂરી છે.
1. ઉકાળેલા પાણીને લાંબા સમય સુધી સ્ટોર કરવું
‘સેન્ટર ફોર ભૂટાન એન્ડ GNH સ્ટડીઝ’ ના એક સંશોધન મુજબ, 48 કલાકથી વધુ સમય સુધી રાખવામાં આવેલું ઉકાળેલું પાણી સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. લેબ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે 48 કલાક પછી પાણીમાં બેક્ટેરિયા બનવા લાગે છે અને 72 કલાક પછી ‘કોઆગ્યુલેસ-નેગેટિવ સ્ટેફિલોકોકી’ (CoNS) જેવા પરજીવીઓ વિકસી શકે છે, જે શરીરમાં જવાથી ગંભીર ચેપ પેદા કરી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની માર્ગદર્શિકા મુજબ, ઉકાળેલા પાણીને સ્વચ્છ, બંધ પાત્રમાં રાખવું જોઈએ અને 24 કલાકની અંદર વાપરી લેવું જોઈએ.
2. પાણીને વારંવાર ઉકાળવું (Reboiling)
ઘણા લોકો પાણીને “શુદ્ધ” કરવાના ચક્કરમાં તેને વારંવાર ઉકાળે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ આદત જોખમી સાબિત થઈ શકે છે. પાણીને વારંવાર ઉકાળવાથી તેમાં રહેલા નાઈટ્રેટ, આર્સેનિક અને ફ્લોરાઈડ જેવા રસાયણોની સાંદ્રતા (Concentration) વધી શકે છે.
- નાઈટ્રેટનું જોખમ: ઉંચું તાપમાન નાઈટ્રેટને ‘નાઈટ્રોસામાઈન’ માં બદલી શકે છે, જે કેન્સરકારક (Carcinogenic) હોઈ શકે છે.
- સ્વાદમાં ફેરફાર: વારંવાર ઉકાળવાથી પાણીમાંથી ઓક્સિજન નીકળી જાય છે, જેનાથી તેનો સ્વાદ ‘ફ્લેટ’ અથવા બેસ્વાદ થઈ જાય છે.જોકે, કેટલાક નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે જો પાણી પહેલેથી જ શુદ્ધ છે, તો તેને ફરીથી ઉકાળવાથી સ્વાસ્થ્ય પર ખાસ અસર પડતી નથી, જ્યાં સુધી પાણી ખૂબ મોટી માત્રામાં વરાળ બનીને ઉડી ન જાય.
3. ઈલેક્ટ્રિક કેટલના વપરાશમાં બેદરકારી
એક રિપોર્ટ અનુસાર, 10 માંથી 9 પરિવારો ઈલેક્ટ્રિક કેટલ (Electric Kettle) નો ઉપયોગ કરતી વખતે ભૂલો કરે છે. લોકો ઘણીવાર હલકા પ્લાસ્ટિક અથવા નબળી ગુણવત્તાવાળી સામગ્રીથી બનેલી કેટલ પસંદ કરે છે જે પાણીમાં રસાયણો છોડી શકે છે. તેના બદલે, 304 સ્ટેનલેસ સ્ટીલ થી બનેલી કેટલનો ઉપયોગ કરવો જોઈએ જે કાટ પ્રતિરોધક અને ઉંચું તાપમાન સહન કરવા સક્ષમ હોય છે. આ ઉપરાંત, કેટલને નિયમિતપણે વિનેગર (સરકો) થી સાફ ન કરવાથી તેમાં ‘યેલો સ્કેલ’ (પીળું પડ) જામી શકે છે, જે પાણીની ગુણવત્તા બગાડે છે.
બચાવ માટે શું કરવું?
- પાણી ઉકાળ્યા પછી તેને હંમેશા સ્વચ્છ અને ઢાંકેલા વાસણમાં રાખો.
- જરૂરિયાત મુજબ જ તાજું પાણી ઉકાળો અને તેને લાંબા સમય સુધી સ્ટોર કરવાનું ટાળો.
- કેટલ કે વાસણને દરરોજ સાબુ અને ગરમ પાણીથી સાફ કરો.
- જો ઉકાળેલા પાણીમાં વિચિત્ર ગંધ આવે અથવા વાસણની અંદર ચીકાશ દેખાય, તો તે પાણીનું સેવન ન કરો.

