વલસાડની કોમર્સ કોલેજમાં ‘મહિલા ઉદ્યોગ સાહસિકતા’ સેમિનાર: ૧૦૦ વિદ્યાર્થીનીઓએ તાલીમ લીધી
રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના સહયોગથી વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજ ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેલ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોનાં લાભાર્થે કોલેજ એક્ટિવિટી હોલમાં મહિલા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. સચિન પટેલ અને શ્રી રવજીતસિંગ અટલ પ્રોજેક્ટ ઓફિસર ભારતીય ઉદ્યમિત વિકાસ સંસ્થાન, અમદાવાદથી વિકાસ નિષ્ણાંત તરીકે સેવાઓ આપી હતી. આ કાર્યક્રમમાં કુલ ૧૦૦ વિદ્યાર્થી બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રો. વિજયકુમાર ચાંપાનેરીએ આવા કાર્યક્રમો સરકારશ્રીના સહયોગથી વારંવાર યોજાય અને કોલેજમાંથી પણ વિદ્યાર્થીઓ ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રે આગળ વધે અને પરિમાણલક્ષી કાર્ય કરે તેના પર ભાર મૂકીને ભાગ લેનાર વિદ્યાર્થિની બહેનોને શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં પ્રથમ સત્રમાં વિષય નિષ્ણાંત દ્વારા ડૉ.સચિન પટેલ ઉપસ્થિત વિદ્યાર્થિની બહેનોને PPT નો ઉપયોગ કરીને તથા વિવિધ ઉપકરણો દ્વારા સફળ ઉદ્યોગકારોની સફળતાના રહસ્યોની સમજણ આપી હતી. ઉદ્યોગ સાહસિક બનવા માટે વિવિધ આયોજનો તથા સમયાંતરે અનુભવ દ્વારા વિવિધ તકોને ઝડપી લેવી તથા રોજગારીનું સર્જન, કૌશલ્ય વિકાસ, નેતૃત્વ અને આયોજન, આત્માનિર્ભરતા, વ્યવસાય વધારીને ભવિષ્યની સુરક્ષિતતા, નવીન સંશોધનો, સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરવું જેવા જુદા જુદા મુદ્દાઓને આવરી લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
દ્વિતીય સત્રમાં રવજીતસિંગ અટલ દ્વારા ધંધા ઉદ્યોગમાં ઉદભવતી તકોને ઓળખવી, ઉદ્યોગ સાહસિક બનવા માટે જરૂરી કાર્યક્ષમતાઓ અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટેની સરકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સીડ ફંડ સ્કીમ, મહિલા ઉદ્યોગ નિધિ યોજના તથા સફળ મહિલા ઉદ્યોગ સાહસીકોના ઉદાહરણો લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. એમ.જી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. EDC સેલના બહેનોને કો-ઓર્ડીનેટર ડૉ. નીલમ ઇટાળીયા તથા કાર્યક્રમ સમિતિના સભ્યો ડૉ. આર. જી. પવાર, ડૉ. ટી. બી. પટેલ,ડૉ. પારસ શેઠ વિવિધ માર્ગદર્શન કરી કાર્યક્રમને સંપૂર્ણ સહયોગ કર્યો હતો. તેમજ આભારવિધિ ડૉ.નીલમબેન ઇટાળીયા દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમની પ્રેરણા કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રો. વિજયકુમાર ચાંપાનેરી દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
