ધરમપુર: મધુરી ગામમાં દીપડાનો આતંક, ચારો લેવા ગયેલા ખેડૂત પર જીવલેણ હુમલો
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર પંથકમાં ફરી એકવાર દીપડાએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો છે. મધુરી ગામના અંતરિયાળ વિસ્તારમાં દીપડાએ એક નિરાધાર ખેડૂતને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂત પર થયેલા આ હિચકારા હુમલા બાદ સ્થાનિકોમાં વન વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખેતરે ચારો લેવા ગયેલા ખેડૂત પર દીપડાનું ત્રાટક
પ્રાપ્ત વિગતો અનુસાર, મધુરી ગામના ૫૯ વર્ષીય ખેડૂત હરિભાઈ બનસ્યાભાઈ પવાર બપોરના સમયે પોતાના ઢોર માટે લીલો ચારો લેવા માટે માંડવાચી માળી વિસ્તારમાં ગયા હતા. ખેતરમાં કામ કરી રહેલા હરિભાઈને કલ્પના પણ નહોતી કે ઝાડીઓમાં છુપાયેલો દીપડો તેમની રાહ જોઈ રહ્યો છે. અચાનક દીપડાએ ઝાડીઓમાંથી બહાર આવી હરિભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. દીપડાના આ આક્રમક હુમલાને કારણે ખેડૂત કંઈ વિચારે તે પહેલા જ લોહીલુહાણ થઈ ગયા હતા.
ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે ખસેડાયા
દીપડાના નહોર અને દાંતનો શિકાર બનેલા હરિભાઈ પવારને માથાના ભાગે, ખભા પર અને બંને હાથના પંજા પર ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ હરિભાઈને તાત્કાલિક પહેલા પીંડવળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી તેમને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ગ્રામજનોમાં ભય અને વન વિભાગ સામે રોષ
આ ઘટના બાદ મધુરી અને તેની આસપાસના ગામડાઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ખેડૂતો હવે પોતાના ખેતરે જતાં પણ જીવના જોખમે જઈ રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, પંથકમાં દીપડાનો ત્રાસ વધ્યો હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ગ્રામજનોએ તાત્કાલિક અસરથી નરભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગને માંગણી કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન થાય.

