Valsad વાપીમાં દારૂબંધીના લીરેલીરા: ચલા ચેકપોસ્ટના કેમેરા માત્ર શોભાના ગાંઠિયા? રેલવે સ્ટેશન પાસે ખુલ્લેઆમ દારૂનું નેટવર્ક

2 Min Read

Valsad ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાના દાવા વચ્ચે વલસાડ જિલ્લાના સરહદી વિસ્તાર વાપીમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી વિગતો સામે આવી રહી છે. દમણની બોર્ડર અડીને આવેલી હોવાથી વલસાડ જિલ્લામાંથી જ મોટા પ્રમાણમાં ‘દામણીયો દારૂ’ ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે, પરંતુ સ્થાનિક પોલીસ આ આખા નેટવર્ક સામે કડક એક્શન લેવામાં કેમ નિષ્ફળ સાબિત થઈ રહી છે તે હવે જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને વાપી ચલા પાસે આવેલી ચેકપોસ્ટ પર લાખોના ખર્ચે લગાવવામાં આવેલા કડક સુરક્ષા માટેના CCTV કેમેરા હાલમાં માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા હોય તેમ બુટલેગરો કોઈપણ ડર વગર ત્યાંથી પસાર થઈ રહ્યા છે.

વાપીના સ્થાનિક સૂત્રો અને સંવેદનશીલ વિસ્તારોમાંથી મળતી વિગતો અનુસાર, વાપી ઇટાલિયન બેકરી પાસે આવેલું રેલવે પ્લેટફોર્મ કોર્નર હાલમાં બુટલેગરો માટે સુરક્ષિત અડ્ડો બની ગયું છે. દમણથી રિક્ષાઓ મારફતે લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો અહીં જ ઉતારવામાં આવે છે અને ત્યારબાદ તેને ખૂબ જ સિફતપૂર્વક ટ્રેન મારફતે ગુજરાતના અન્ય શહેરોમાં મોકલવામાં આવે છે.  ‘ગુલાબ’ નામના સ્થાનિક બુટલેગરનું નામ ચર્ચામાં છે, જે રિક્ષાઓ દ્વારા આ ગેરકાયદેસર કાળો કારોબાર ચલાવી રહ્યો છે. જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસના આ વિસ્તારના તથા રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ કડકાઈથી ચેક કરવામાં આવે, તો આ દારૂના કાળા કારોબારના પાકા પુરાવા મળી શકે તેમ છે.

આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી અને પોલીસની ભૂમિકા સામે આંગળી ચીંધતી બાબત ગઈકાલે રાત્રે જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે GST ભવન પાસે ફરજ પર રહેલી પોલીસની સેલ્ટોસ (Seltos) કાર દ્વારા આ શંકાસ્પદ રિક્ષાને રોકવામાં પણ આવી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે, પ્રાથમિક પૂછપરછ કે તપાસ કરવાના બદલે થોડી જ વારમાં આ રિક્ષાને ત્યાંથી આસાનીથી જવા દેવામાં આવી હતી. દારૂની આશંકા હોવા છતાં રિક્ષાને કેમ જવા દેવાઈ, તેની પાછળ કોઈ મોટું આર્થિક સેટિંગ હતું કે પછી કોઈ અન્ય દબાણ, તે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે તપાસનો વિષય છે. જનતા સવાલ કરી રહી છે કે જો પોલીસ જ આ રીતે આંખ આડા કાન કરશે, તો રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી જશે.

- Advertisement -
Share This Article