એક પેડ મા કે નામ: સરકારી વાહવાહી વચ્ચે માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં
તાજેતરમાં ઉમરગામ તાલુકાના સંજાણ રેન્જ દક્ષિણ વિભાગ દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વન કવચ ખાતે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રકૃતિનું જતન કરવાનો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, વિવિધ સભ્યો અને સ્થાનિક સરપંચો સહિતના રાજકીય અગ્રણીઓ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓ માટે આ કાર્યક્રમ કદાચ ફોટોગ્રાફ્સ પડાવવા અને સરકારી સિદ્ધિઓ ગણાવવાનું એક માધ્યમ માત્ર હતો, પરંતુ આ સમગ્ર સરકારી વાહવાહીની પાછળ જે આઘાતજનક ચિત્ર સામે આવ્યું છે તેણે સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષ જગાવ્યો છે. ભરી ગરમીમાં સરકારી કાર્યક્રમની શોભા વધારવા માટે સ્કૂલના માસૂમ બાળકોને જે રીતે પ્યાદાં તરીકે વાપરવામાં આવ્યા, તે અત્યંત નિંદનીય અને શરમજનક બાબત છે.
ધોમધખતા તાપમાં માસૂમ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની
આ સરકારી કાર્યક્રમને સફળ અને ભીડભાડવાળો બતાવવા માટે તુંબ પ્રાથમિક શાળાના નાના-નાના વિદ્યાર્થીઓને ખાસ બોલાવવામાં આવ્યા હતા. હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી તાપમાનનો પારો આસમાને પહોંચેલો છે. કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપની વચ્ચે આ માસૂમ બાળકોને ખુલ્લા મેદાનમાં કલાકો સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા. નેતાઓના લાંબા-લાંબા ભાષણો અને પ્રોટોકોલની વચ્ચે આ બાળકો ગરમીથી આકુળ-વ્યાકુળ થઈ ગયા હતા. ભીષણ ગરમી અને લૂ ના કારણે વિદ્યાર્થીઓની હાલત પલભરમાં કફોડી બની ગઈ હતી. બાળકોના ચહેરા કરમાઈ ગયા હતા અને તેઓ તરસથી વ્યાકુળ હતા, પરંતુ એસી ગાડીઓમાંથી ઉતરેલા નેતાઓ અને અધિકારીઓને આ ગરીબ ઘરના બાળકોની પીડા જોવાનો સહેજ પણ સમય નહોતો.
તબીબી સુવિધાનો સદંતર અભાવ: ઓફિશિયલોની લાપરવાહી
કાર્યક્રમ દરમિયાન ગરમી એટલી અસહ્ય બની ગઈ હતી કે તુંબ પ્રાથમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ચક્કર આવવા લાગ્યા હતા અને તેઓ ચાલુ કાર્યક્રમે જ જમીન પર ઢળી પડ્યા હતા. બાળકો ચક્કર ખાઈને પડતાની સાથે જ ત્યાં હાજર વન વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત એ હતી કે આવા મોટા અને ભવ્ય સરકારી કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય સુવિધા (First Aid) કે કોઈ મેડિકલ ટીમની વ્યવસ્થા જ કરવામાં આવી નહોતી. બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે આટલી મોટી બેદરકારી જોઈને ત્યાં હાજર ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
જ્યારે બાળકો બેભાન થવા લાગ્યા, ત્યારે તંત્ર પાસે કોઈ તબીબી ઈલાજ ન હોવાથી અધિકારીઓ માત્ર માસૂમ બાળકોના મોં પર પાણીના છાંટા મારીને સંતોષ માની રહ્યા હતા. જાણે પાણી છાંટવાથી ગંભીર સનસ્ટ્રોક મટી જવાનો હોય! આટલું ઓછું હોય તેમ, વહીવટી તંત્રના કેટલાક મોટા સાહેબોએ સંવેદનહીનતાની હદ વટાવી દીધી હતી. ચક્કર ખાઈ રહેલી વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ભેગી કરવાના બદલે, કાર્યક્રમ બગડે નહીં તે માટે એસી ગાડીઓમાં બેસાડી રાખીને કાર્યક્રમ પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી હતી. કાર્યક્રમ વિધિવત રીતે પૂરો થયો, નેતાજી રવાના થયા, ત્યાર બાદ જ આ બીમાર બાળકોને યોગ્ય સારવાર માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. શું નેતાઓના પ્રોટોકોલ બાળકોના જીવ કરતાં પણ વધુ કિંમતી છે?
ઘેટા-બકરાની જેમ ટેમ્પોમાં ખીચોખીચ ભરીને કરાયું પરિવહન
આ સમગ્ર ઘટનામાં શાળા પ્રશાસન અને વહીવટી તંત્રની સૌથી અમાનવીય ક્રૂરતા એ સમયે જોવા મળી, જ્યારે બાળકોના પરિવહનની હકીકત સામે આવી. તુંબ પ્રાથમિક શાળામાંથી આ માસૂમ વિદ્યાર્થીનીઓને કોઈ સુરક્ષિત બસ કે વાહનમાં લાવવામાં આવ્યા નહોતા. માલવાહક ટેમ્પોમાં ઘેટા-બકરાની જેમ બાળકોને ખીચોખીચ ભરીને કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા હતા. આ દ્રશ્ય જોઈને જ કાયદાના લીરેલીરા ઉડતા દેખાતા હતા.
કાર્યક્રમ પૂરો થયા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થયો. કાળઝાળ ગરમીમાં, જ્યારે ગરમીનો પારો આસમાને હતો, ત્યારે ફરીથી એ જ ખુલ્લા ટેમ્પોમાં બાળકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા અને પરત શાળાએ મોકલાયા હતા. બાળકો ટેમ્પોમાં એકબીજા પર ભીંસાતા હતા, ગરમીથી રીબાઈ રહ્યા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્યો ઉમરગામ તાલુકાના ઉચ્ચ અધિકારીઓની નજર સમક્ષ જ ઘટી રહ્યા હતા. પરંતુ સત્તાના નશામાં ચૂર અને પોતાની જવાબદારીઓમાંથી હાથ ખંખેરી ચૂકેલા નિષ્ફળ અધિકારીઓએ આ તરફ જોવાનું પણ મુનાસિબ ન માન્યું અને આંખ આડા કાન કરીને પોતાની સરકારી ગાડીઓમાં રવાના થઈ ગયા.
ગ્રામજનો અને આગેવાનોમાં ભારે આક્રોશ
પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણ જેવા પવિત્ર કાર્યક્રમના નામે માસૂમ બાળકોની આવી દુર્દશા જોઈને કાર્યક્રમમાં હાજર સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોના હૃદય દ્રવી ઉઠ્યા હતા. લોકોમાં વહીવટી તંત્ર અને શાળા સંચાલકો સામે ભારે દયા અને સાથે-સાથે આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી. ગ્રામજનોએ આક્રોશપૂર્વક જણાવ્યું કે, “જો સરકાર પાસે બાળકોને લાવવા-લઈ જવા માટે યોગ્ય બસોની સગવડ નહોતી અને તબીબી સુવિધા ઊભી કરવાની ત્રેવડ નહોતી, તો આવા ધોમધખતા તાપમાં ગરીબ અને આદિવાસી વિસ્તારના બાળકોને લાવવાની શું જરૂર હતી? શું આ બાળકો માત્ર ભીડ જમાવવાનું સાધન છે?”
વાલીઓ સામે મોટો સવાલ: સંમતિ પત્રક ક્યાં છે?
આ ઘટના બાદ શિક્ષણ જગત અને શાળા સંચાલક મંડળની ભૂમિકા સામે પણ અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે, શાળા સંચાલક મંડળ અને આચાર્ય કયા આધારે વિદ્યાર્થીઓને આવા જોખમી સરકારી કાર્યક્રમોમાં મોકલી દે છે? શું બાળકોને મોકલતા પહેલા તેમના ગરીબ વાલીઓની લેખિત સંમતિ લેવામાં આવી હતી ખરી? સામાન્ય રીતે વાલીઓ પોતાના બાળકોને ભણવા માટે શાળાએ મોકલે છે, નહીં કે રાજકીય નેતાઓની સભાઓમાં ભીડ વધારવા કે માલવાહક ટેમ્પોમાં ઘેટા-બકરાની જેમ કચડાવા માટે. જો વાલીઓની સંમતિ વિના બાળકોને મોકલવામાં આવ્યા હોય, તો આ સીધેસીધો કાયદાકીય ગુનો બને છે.
અંતિમ સવાલ: જવાબદારી કોની અને કસૂરવારો સામે કાર્યવાહી ક્યારે?
આ સમગ્ર ઘટના સરકારી તંત્રની ઘોર બેદરકારી અને સંવેદનહીનતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ મામલે હવે જનતા અને વાલીઓ વહીવટી તંત્રને સણસણતા સવાલો પૂછી રહ્યા છે:
શું આ અમાનવીય કૃત્ય બદલ કસૂરવાર વન વિભાગના અધિકારીઓ અને શાળાના જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે ખરી?
ભવિષ્યમાં જો આવા કોઈ સરકારી કાર્યક્રમમાં કોઈ માસૂમ બાળકને હીટસ્ટ્રોક (લૂ) લાગવાથી કે અકસ્માત થવાથી મોટું સ્વાસ્થ્ય જોખમ ઊભું થાય અથવા કોઈ અનિચ્છનીય ઘટના ઘટે, તો તેની અંતિમ જવાબદારી કોની રહેશે? સરકારની, વન વિભાગની, કે શાળા પ્રશાસનની?

