ટુ-વ્હીલર ચાલકોની સલામતી માટે મહાનગરપાલિકાએ વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવ્યા
ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી વાહનચાલકોને થતા અકસ્માતો રોકવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પગલું ઉઠાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ખાસ સેફ્ટી ગાર્ડ લગાવવાનું અભિયાન શરૂ કરાયું છે. આ પહેલનો મુખ્ય હેતુ તહેવારના સમયે રસ્તા પર અવરજવર કરતા નાગરિકોને જીવલેણ દોરીથી બચાવવાનો અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે.
વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી અપાયા
શુક્રવારે સવારે મહાનગરપાલિકાની કચેરી બહાર આયોજિત આ કાર્યક્રમમાં આવતા-જતા વાહનચાલકોના ટુ-વ્હીલર પર લોખંડના સુરક્ષા સળિયા વિનામૂલ્યે લગાવી આપવામાં આવ્યા હતા. એક જ દિવસમાં અંદાજે ૩૫૦ થી વધુ વાહનો પર આ સેફ્ટી ગાર્ડ ફિટ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવેલી આ સુવિધાને કારણે વાહનચાલકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ મનપાની આ કામગીરીને બિરદાવી હતી.
ઓવરબ્રિજ પર લોખંડના વાયર બાંધવામાં આવ્યા
વાહનચાલકોની સુરક્ષા માટે માત્ર સેફ્ટી ગાર્ડ જ નહીં પરંતુ શહેરના વિવિધ ઓવરબ્રિજ પર પણ લોખંડના વાયર બાંધવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજ પરથી પસાર થતા સમયે ઊંચાઈ પર પતંગની દોરી સીધી ચાલકના ગળાના ભાગે આવતી હોય છે જે અત્યંત જોખમી સાબિત થાય છે. આ જોખમ નિવારવા માટે અગમચેતીના ભાગરૂપે મનપા દ્વારા બ્રિજની બંને તરફ ઉંચા વાયર લગાવીને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
સાવચેતી રાખવા મનપાનો અનુરોધ
નાયબ મ્યુનિસિપલ કમિશનર અને સીટી ઇજનેરની ઉપસ્થિતિમાં યોજાયેલા આ અભિયાન દરમિયાન નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ હતી. તંત્ર દ્વારા જણાવાયું હતું કે જે વાહનચાલકોએ હજુ સેફ્ટી ગાર્ડ નથી લગાવ્યા તેઓ ગળાના ભાગે મફલર કે રૂમાલ બાંધે અથવા પોતાના વાહન પર સુરક્ષા સળિયા લગાવી લે. તહેવારના આનંદમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

