વિકસિત ગુજરાત@2047ના વિઝન સાથે દાવોસમાં WEF 2026 ખાતે ગુજરાત રોકાણ અને રોજગારીની નવી તકો રજૂ કરશે
સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) ૨૦૨૬માં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થયું હતું. વિદાય વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘વિકસિત ગુજરાત@2047’ના વિઝનને સાકાર કરવા અને રાજ્યના યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરવા માટે આ પ્રવાસ અત્યંત મહત્વનો સાબિત થશે.
૫૮ હાઈ-લેવલ બેઠકો: રોકાણ આકર્ષવાનો માસ્ટર પ્લાન
આગામી ચાર દિવસ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રી વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને વિવિધ સેક્ટરના સીનિયર મેમ્બર્સ સાથે ૫૮ જેટલી ‘વન-ટુ-વન’ બેઠકો યોજશે. ગુજરાતની મજબૂત ઈન્ડસ્ટ્રીયલ પોલિસીને કારણે રાજ્ય આજે વિશ્વભરની કંપનીઓ માટે ‘પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે.
આ ક્ષેત્રો પર રહેશે વિશેષ ફોકસ:
-
ટેકનોલોજી: સેમીકન્ડક્ટર, એરોસ્પેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.
-
મેન્યુફેક્ચરિંગ: એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ અને કેમિકલ્સ.
-
ઉર્જા અને ફાર્મા: રિન્યુએબલ એનર્જી અને ફાર્માસ્યુટિકલ્સ.
-
લોજિસ્ટિક્સ: શિપિંગ, લોજિસ્ટિક્સ અને ફૂડ પ્રોસેસિંગ.
મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતની પ્રસ્તુતિ
૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ બેઠકમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી નીતિઓના પરિણામે ગુજરાત સેમીકન્ડક્ટર અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સહયોગ રાજ્યના આર્થિક ઉત્થાન માટે નવી ક્ષિતિજો ખોલશે.
અમદાવાદ એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રીશ્રીને વિદાય આપવા માટે જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, ઇન્ડેક્સ-બીના એમડી કેયુર સંપત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

