પુરુષોમાં નસકોરાની સમસ્યા કેમ વધુ જોવા મળે છે? વિજ્ઞાને આપ્યું તેનું સચોટ કારણ
નસકોરાં આવવા એ સામાન્ય સમસ્યા લાગતી હોય શકે છે, પરંતુ તેને હળવાશથી લેવી જોઈએ નહીં. તે શરીરમાં કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. મેડિકલ સાયન્સ મુજબ, સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં નસકોરાં આવવાની શક્યતા લગભગ 2 થી 3 ગણી વધારે હોય છે.
દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ENT વિભાગના એચઓડી પ્રોફેસર ડૉ. રવિ મહેર આ પાછળના વૈજ્ઞાનિક કારણો સમજાવે છે.
પુરુષોમાં નસકોરાં આવવાનું પ્રમાણ કેમ વધારે હોય છે?
ડૉ. રવિ જણાવે છે કે પુરુષોમાં નસકોરાં વધુ આવવા પાછળ મુખ્યત્વે નીચેના કારણો જવાબદાર છે:
- ગળાની રચના: પુરુષોમાં ગળાની અંદરનો શ્વસનમાર્ગ (Airway) સ્ત્રીઓની તુલનામાં સાંકડો હોય છે. આ કારણે સૂતી વખતે શ્વાસ લેતી વખતે વધુ ધ્રુજારી પેદા થાય છે અને નસકોરાં આવે છે.
- હોર્મોન્સનો પ્રભાવ: સ્ત્રીઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સ શ્વસનમાર્ગના સ્નાયુઓને મજબૂત રાખવામાં મદદ કરે છે. આથી 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં નસકોરાં ઓછા આવે છે. જોકે, મેનોપોઝ પછી આ હોર્મોન્સનું સ્તર ઘટતા સ્ત્રીઓમાં પણ આ સમસ્યા વધે છે.
- ચરબીનું પ્રમાણ: પુરુષોમાં ગળા અને શ્વસનમાર્ગની આસપાસ ફેંટ (ચરબી) જમા થવાનું પ્રમાણ સ્ત્રીઓ કરતા વધુ હોય છે, જે શ્વાસ લેવામાં અવરોધ ઉભો કરે છે.
નસકોરાં આવવાનો અર્થ શું છે?
જ્યારે નાક અને ગળાનો શ્વાસ લેવાનો રસ્તો પૂરો ખુલ્લો હોતો નથી, ત્યારે શ્વાસ લેતી કે છોડતી વખતે ગળાના ટિશ્યુમાં (Tissues) કંપન એટલે કે વાઇબ્રેશન થાય છે, જેને આપણે ‘નસકોરાં’ કહીએ છીએ.
મુખ્ય કારણો: સ્થૂળતા (મોટાપો), ટોન્સિલ, નાકના હાડકાની વાંકી રચના અથવા પૂરતી ઊંઘનો અભાવ.
ક્યારે સાવધ રહેવું?
ડૉક્ટરના મતે, ક્યારેક ક્યારેક હળવા નસકોરાં આવે તે ઠીક છે, પરંતુ જો આ સમસ્યા રોજની હોય તો તે ‘સ્લીપ એપ્નિયા’ (Sleep Apnea) હોઈ શકે છે. આ સ્થિતિમાં સૂતી વખતે શ્વાસ થોડી સેકન્ડો માટે અટકી જાય છે, જે હૃદય રોગ (Heart Disease) નું જોખમ વધારી શકે છે.
નસકોરાંથી બચવાના ઉપાયો
નસકોરાંની સમસ્યા ઘટાડવા માટે નીચે મુજબની જીવનશૈલી અપનાવવી જોઈએ:
- વજન નિયંત્રણ: શરીરનું વજન સંતુલિત રાખો.
- દારૂ અને ધૂમ્રપાનનો ત્યાગ: સૂતા પહેલા નશો ટાળો અને ધૂમ્રપાન છોડી દો.
- સૂવાની પદ્ધતિ: ચત્તા સૂવાને બદલે પડખું ફરીને સૂવાની ટેવ પાડો.
- તબીબી સલાહ: જો નસકોરાં ખૂબ વધારે આવતા હોય, તો તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો.

