વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વિકાસ કામગીરી
વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)’ અંતર્ગત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર-૨૦૨૫ ના અંત સુધીમાં જિલ્લામાં કુલ ૧૩૬.૩૫ લાખ રૂપિયાનો ખર્ચ કરી ૮૧.૬૭ ટકા જેટલી સરેરાશ ભૌતિક પ્રગતિ હાંસલ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગામડાઓમાં રહેતા નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાનો છે.
કચરા વ્યવસ્થાપન અને શૌચાલય નિર્માણ પર ભાર
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અહેવાલ મુજબ, વિવિધ વિકાસલક્ષી ઘટકોમાં સૌથી વધુ ધ્યાન ઘન કચરા વ્યવસ્થાપન પર આપવામાં આવ્યું છે, જેમાં ૫૧.૦૪ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ઉપરાંત વૈયક્તિક શૌચાલય નિર્માણ માટે ૧૯.૨૦ લાખ અને સામુદાયિક શૌચાલયો માટે ૧૪.૭૦ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પ્રવાહી કચરાના યોગ્ય નિકાલ માટે પણ ૯.૭૯ લાખનો ખર્ચ કરી ગામડાઓને ગંદકીમુક્ત બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
તાલુકાવાર પ્રગતિ અને સિદ્ધિઓ
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતા માલૂમ પડે છે કે કરજણ તાલુકાએ ૨૦.૮૮ લાખનો ખર્ચ કરી ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. સાવલી તાલુકાએ ૯૫.૫૯ ટકા અને ડભોઈ તાલુકાએ ૯૫.૫૦ ટકા ખર્ચ સાથે શ્રેષ્ઠ કામગીરી કરી છે. અન્ય તાલુકાઓ જેવા કે પાદરા, વાઘોડિયા અને વડોદરામાં પણ ૧૭ લાખથી વધુનો ખર્ચ કરી સ્વચ્છતાના કામોને વેગ આપવામાં આવ્યો છે. શિનોર અને ડેસર તાલુકામાં પણ નિયત લક્ષ્યાંક મુજબ કામગીરી આગળ વધી રહી છે.
જિલ્લાને અગ્રેસર બનાવવાનો મક્કમ નિર્ધાર
સમગ્ર જિલ્લામાં સ્વચ્છતાના માપદંડો જળવાઈ રહે અને ઘન-પ્રવાહી કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આગામી સમયમાં બાકી રહેલા તમામ કામો સમયસર પૂર્ણ કરીને જિલ્લાને સ્વચ્છતા ક્ષેત્રે રાજ્યમાં અગ્રેસર બનાવવા માટે કૃતનિશ્ચયી છે. આ કામગીરીથી ગ્રામીણ જીવનધોરણમાં મોટો સુધારો જોવા મળશે.

