કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મીરજાપર ગામે આવેલી શ્રી મીરજાપર કુમાર પ્રાથમિક ગ્રુપ શાળામાં થયેલા નબળી ગુણવત્તાના કામને લઈને ઉભો થયેલો વિવાદ હવે માત્ર શાળા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ સમગ્ર તંત્ર અને કહેવાતા સામાજિક આગેવાનોની ભૂમિકા પર સવાલ ઊભા કરી રહ્યો છે.
શાળાના વિકાસ કામમાં ગેરરીતિના આક્ષેપો વચ્ચે શાળાના આચાર્ય વિલાસબા જાડેજા અને કચ્છ જિલ્લા વિકાસ અધિકારી વચ્ચે ખુલ્લી બોલાચાલી થવી એ દર્શાવે છે કે મામલો કેટલો ગંભીર છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં એક મોટો પ્રશ્ન જનમાનસમાં ઉદભવી રહ્યો છે કચ્છ જિલ્લામાં હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા સામાજિક કાર્યકરો અત્યારે કેમ ચૂપ છે..?
શું શાળાના બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલા આવા ગંભીર મુદ્દા હવે મહત્વના રહ્યા નથી? કે પછી આ કહેવાતા સામાજિક આગેવાનોનો વિરોધ માત્ર દેખાવ પૂરતો જ હતો? આક્ષેપ થઈ રહ્યા છે કે ઘણા સામાજિક આગેવાનો વિદ્યાર્થીઓના નામે માત્ર ત્યારે જ રસ્તા પર ઉતરે છે, જ્યારે તેનાથી તેમના પોતાના રાજકીય કે વ્યક્તિગત સ્વાર્થ સધાતા હોય છે જ્યારે મનસુબા પૂર્ણ થઈ જાય ત્યારે તેઓ સત્તા સામે મૌન ધારણ કરી લે છે.
શું મીરજાપર શાળાનો મુદ્દો એટલા માટે અવગણવામાં આવી રહ્યો છે કે અહીં કોઈ રાજકીય ફાયદો દેખાતો નથી..? શું વિદ્યાર્થીઓના પ્રશ્નો હવે માત્ર વિરોધ પ્રદર્શન માટેનું સાધન બની ગયા છે? આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કચ્છમાં બાળકોના હક અને શિક્ષણની ગુણવત્તા કરતાં રાજકીય સમીકરણો વધુ મહત્વના બની રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ મામલે તંત્ર જવાબદારી સ્વીકારી પગલાં ભરે છે કે નહીં, મૌન સાધી બેઠેલા સામાજિક આગેવાનો ક્યારે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરશે..? કારણ કે પ્રશ્ન માત્ર એક શાળાનો નથી પ્રશ્ન છે કચ્છના ભવિષ્યનો…
