સોનારિયા થી ચાંદગઢ સુધી ૬ કિલોમીટર નદીમાંથી ગાંડાબાવળ સહિતની આડશ દૂર કરાશે
ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી જિલ્લાના સોનારિયા મુકામે નદીની સાફસફાઈ ઝુંબેશનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા સોનારીયાથી ચાંદગઢ સુધીના અંદાજિત ૬ કિલોમીટરના નદી પટમાં ઉગી નીકળેલા ગાંડાબાવળ અને અન્ય અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ લાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નદીમાં કુદરતી આડશ અને ગાંડાબાવળને કારણે નદીની પાણી વહન કરવાની ક્ષમતા ઘટી ગઈ હતી. પરિણામે, ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ સર્જાતી અને આસપાસના ખેતરોમાં જમીન ધોવાણની મોટી સમસ્યા ઊભી થતી હતી. આ સફાઈ ઝુંબેશથી નદીનું વહેણ માર્ગસ્ત થશે અને ખેડૂતોની કિંમતી જમીનનું ધોવાણ અટકશે.
આ પ્રવાસ દરમિયાન મંત્રીશ્રીએ અન્ય વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કર્યું હતું:
-
કોમ્યુનિટી હોલ: અમરેલી તાલુકાના ચાંપાથળ અને ફતેપુર ગામે રૂ. ૧૦-૧૦ લાખના અનુદાનથી નવનિર્મિત કોમ્યુનિટી હોલ જનતા માટે ખુલ્લા મુકાયા.
-
શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન: ફતેપુર પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન ૪૧૮ જેટલી વિદ્યાર્થી સંખ્યા જોઈ મંત્રીશ્રીએ આચાર્ય અને શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા અને વિવિધ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાફસફાઈ ઝુંબેશથી સોનારીયા અને ચાંદગઢ વિસ્તારના ખેતી ક્ષેત્રને મોટો ફાયદો થશે.

