છોટાઉદેપુરના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય દૌડ મેરેથોન, ૮ ફેબ્રુઆરીએ બોડેલી બનશે ફિટનેસનું કેન્દ્ર
છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ભવ્ય અને ઐતિહાસિક ‘દૌડ મેરેથોન’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈને બોડેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે, આગામી ૮ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવાર ના રોજ બોડેલી ખાતે આ ઐતિહાસિક દોડ યોજાશે. આ મેરેથોનનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવી અને સમાજમાં સમાનતાના મૂલ્યોને મજબૂત કરવાનો છે.
ઇનામોની વિગત: તમામ કેટેગરીમાં સમાન સન્માન
મેરેથોનમાં ભાગ લેનારા પુરુષ અને મહિલા દોડવીરો માટે સમાન અને આકર્ષક રોકડ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે.
| દોડની કેટેગરી | પ્રથમ ઇનામ | દ્વિતીય ઇનામ | તૃતીય ઇનામ |
| ૨૧ કિ.મી. (હાફ મેરેથોન) | રૂ. ૫૦,૦૦૦ | રૂ. ૨૫,૦૦૦ | રૂ. ૧૧,૦૦૦ |
| ૧૦ કિ.મી. રન | રૂ. ૨૫,૦૦૦ | રૂ. ૧૧,૦૦૦ | રૂ. ૫,૦૦૦ |
| ૫ કિ.મી. રન | રૂ. ૧૧,૦૦૦ | રૂ. ૫,૦૦૦ | રૂ. ૨,૫૦૦ |
| ૧ કિ.મી. રન | રૂ. ૫,૦૦૦ | રૂ. ૨,૧૦૦ | રૂ. ૧,૧૦૦ |
વિશેષ આકર્ષણ: Ex-Army Run
દેશની સેવા કરી ચૂકેલા ભૂતપૂર્વ સૈનિકો (Ex-Army) ના માનમાં એક વિશેષ ૫ કિ.મી.ની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ઇનામ રૂ. ૨૧,૦૦૦, બીજું ઇનામ રૂ. ૧૧,૦૦૦ અને ત્રીજું ઇનામ રૂ. ૫,૦૦૦ રાખવામાં આવ્યું છે. આ કેટેગરી સૈનિકોના સાહસ અને શિસ્તને પ્રોત્સાહન આપવા માટે ઉમેરવામાં આવી છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ભાગીદારી
આ મેરેથોનમાં માત્ર છોટાઉદેપુર જ નહીં, પરંતુ મુંબઈ, પુણે, અમદાવાદ, દિલ્હી અને જોધપુર જેવા શહેરોમાંથી પણ વ્યાવસાયિક દોડવીરો જોડાશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરના દોડવીરો પણ ભાગ લે તેવી શક્યતા છે, જે આ આયોજનને વૈશ્વિક ઓળખ આપશે. અંદાજે ૧૫,૦૦૦ થી વધુ દોડવીરો આ રમત મહોત્સવમાં ભાગ લેશે તેવો અંદાજ છે.
પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્રએ ગુજરાતભરના રમતપ્રેમીઓને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને દોડમાં ભાગ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
