વલસાડ જિલ્લામાં PMJAY અંતર્ગત કુલ ૨૭ કરોડની વધુની સહાય ચૂકવાઈ, ૧૦૫૧૯ દર્દીએ નિઃશૂલ્ક સારવારનો લાભ મેળવ્યો 

4 Min Read
જિલ્લામાં કુલ ૦૯ લાખ ૧૫ હજાર ૩૨૩ લોકો આયુષ્માન કાર્ડ દ્વારા આકસ્મિક માંદગી સામે સુરક્ષા કવચ ધરાવે છે  ૭૦ વર્ષ કે તેથી વધુના વડીલોને વય વંદના યોજના હેઠળ અત્યાર સુધીમાં ૨૫૨૬૩ જેટલા કાર્ડ બનાવી આપવામાં આવ્યા
સુશાસન (Good Governance) એ દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો. જે તેમની દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા, પારદર્શિતા, લોકોની આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના વિઝન સાથે જોડાયેલો છે. જેના ભાગરૂપે તેમના જન્મદિવસને તા. ૨૫ ડિસેમ્બરના રોજ ભારતમાં ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી આરોગ્ય કવચ યોજના “પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના” દ્વારા ભારતમાં લોકોને આરોગ્યના સંકટ સમયે આર્થિક સંકટનો પણ સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. ભારતના કરોડો લોકો આજે આ યોજના હેઠળ લાખો રૂપિયાની સારવાર નિ:શુલ્ક લઈ દીર્ધાયુષ્ય મેળવી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં કુલ ૦૯ લાખ ૧૫ હજાર ૩૨૩ લોકો આયુષ્માન યોજના અંતર્ગત જોડાયેલા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૦૫૧૯ લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ યોજનાનો સારવાર માટે લાભ મેળવતા સરકારશ્રી દ્વારા કુલ રૂ. ૨૭ કરોડ ૦૯ લાખ ૨૪ હજાર ૨૮૪ ની નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. ભારત સરકારશ્રીની આ પીએમજેએવાય યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. આયુષ્યમાન કાર્ડને કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦૫૧૯ પરિવારો આર્થિક પાયમાલીમાંથી બચી હાલમાં તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.
hospital.jpg
૭૦ વર્ષથી વધુ વયના તમામ સિનિયર સિટિઝનો આવકના દાખલા વિના આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા વય વંદના કાર્ડ યોજના અમલમાં મુકાઈ છે. જે અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૫૨૬૩ જેટલા લાભાર્થીઓને કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. જેનો સીધો લાભ ભવિષ્યમાં આવનારી આકસ્મિક માંદગી સામે મળવાથી આ કાર્ડ કવચ પુરૂ પાડશે. વૃધ્ધાવસ્થામાં સારવાર અંગે થતી ચિંતા સરકારશ્રી દ્વારા દૂર કરવામાં આવી છે.
બોક્ષ મેટર
મારા પિતાને બે થી ત્રણ બ્લોકેજ હોવાથી બાયપાસ સર્જરી આ કાર્ડ દ્વારા વિના મૂલ્ય થઈઃ લાભાર્થીનો પુત્ર
આ યોજના અંતર્ગત વલસાડના અતુલ ગામના લાભાર્થી જયંતિભાઈ પટેલના દીકરા દિવ્યેશભાઈ એ જણાવ્યું કે, મારા પિતાને એન્જિયોગ્રાફી માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એન્જિયોગ્રાફીના રિપોર્ટમાં બે થી ત્રણ નસ બ્લોકેજ હોવાનું નિદાન થયુ હતું. ડોકટરે બાયપાસ સર્જરી કરાવવા માટે જણાવતા સર્જરી કરવામાં આવી હતી. બે ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ એકદમ સ્વસ્થ થયા હતા. આયુષ્યમાન કાર્ડ હેઠળ આ સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક થઈ હતી. જે રીતે આયુષ્યમાન કાર્ડ વિનાના દર્દીને હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવે છે એ જ રીતે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થીને પણ કોઈ પણ ભેદભાવ વિના સારવાર આપવામાં આવે છે.
બોક્ષ મેટર
આયુષ્માન કાર્ડ ક્યાંથી કઢાવી શકાશે?
શહેર વિસ્તારના લોકો અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો જે-તે વિસ્તારના આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ પંચાયત ખાતેથી પણ આયુષ્માન કાર્ડ કઢાવવાની પ્રક્રિયા કરી શકે છે. આ ઉપરાંત સેવાસેતુ કાર્યક્રમમાં ગ્રામ વિસ્તારોમાં  સ્થળ પર જ આયુષ્માન કાર્ડ કઢાવવાની પ્રક્રિયા કરાવી શકાય છે.
આવશ્યક દસ્તાવેજો:
રેશન કાર્ડ, આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, પાન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો જેવા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
Share This Article