AI સંચાલિત સિગ્નલો અને બિનજરૂરી કટ્સ દૂર: શહેર ટ્રાફિક માટે નવો યુગ શરૂ
અમદાવાદમાં ધૂળ રહિત માર્ગોના વિચારને હવે સરકાર વાસ્તવિક સ્વરૂપ આપવા જઈ રહી છે. અત્યાર સુધી આવા રસ્તા માત્ર વિદેશોમાં જ જોવા મળતા હતા, પરંતુ હવે શહેરના સૌથી વ્યસ્ત એવા એસ.જી. હાઇવેને સંપૂર્ણપણે ડસ્ટ ફ્રી બનાવવા માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે આવા માર્ગો શહેરીજનોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થશે અને ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો લાવશે.
એસ.જી. હાઇવેને દેશનો શ્રેષ્ઠ રોડ બનાવવાનો સંકલ્પ
સરકારે એસ.જી. હાઇવેને ધૂળમુક્ત બનાવી દેશનો સૌથી ઉત્તમ રોડ બનાવવા માટે વિશેષ મિશન હાથ ધર્યું છે. માર્ગ પર અચાનક આવતા નાના-મોટા કટ્સ અકસ્માતનું કારણ બને છે, તેથી આવા બિનજરૂરી કટ્સ તબક્કાવાર દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ગની નવી વ્યવસ્થા સાથે ડ્રાઇવિંગ વધુ સુરક્ષિત તથા સરળ બનશે તેવી અપેક્ષા છે.
ત્રણ એન્જિનિયરિંગ કંપનીઓને સર્વેની જવાબદારી
આ મહત્ત્વાકાંક્ષી વિઝનને સાકાર કરવા માટે સરકારે ત્રણ જાણીતી એન્જિનિયરિંગ કંપનીઓને વિસ્તૃત સર્વે કાર્ય સોંપ્યું છે. આ માહિતી ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી. રાજ્યમાં કોમનવેલ્થ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદના માર્ગોનું આધુનિકીકરણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વિદેશી ખેલાડીઓ અને શહેરીજનોને શ્રેષ્ઠ સુવિધા આપવા તૈયારી
કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે માર્ગ સુવિધાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે એસ.જી. હાઇવે શહેરનો મુખ્ય માર્ગ છે, જ્યાં આવનારા સમયમાં વાહનોની સંખ્યા વધશે. એટલા માટે માર્ગને અદ્યતન ધોરણો મુજબ ડિઝાઇન કરીને લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખી તંત્ર કાર્ય કરી રહ્યું છે.
દર અઠવાડિયે રિવ્યુ, સુરતના ઉદાહરણનો ઉલ્લેખ
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યા મુજબ એસ.જી. હાઇવેને ડસ્ટ ફ્રી બનાવવાનું એક મહત્વપૂર્ણ સ્વપ્ન છે અને દર અઠવાડિયે તેની સમીક્ષા થાય છે. તેમને સુરતમાં બનેલા બે ડસ્ટ ફ્રી રોડનું ઉદાહરણ આપીને જણાવ્યું કે સ્વચ્છ માર્ગો અનેક રોગોથી બચાવે છે. આ મિશન માટે રોડ એન્જિનિયરિંગ કંપનીઓનું માર્ગદર્શન પણ મહત્વનું ગણાવવામાં આવી રહ્યું છે.
બિનજરૂરી કટ્સ દૂર થશે, ટ્રાફિક સિગ્નલ થશે AI સંચાલિત
શહેરમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને હર્ષ સંઘવીએ જણાવ્યું કે વિકસિત દેશોમાં દર થોડા અંતરે કટસ નથી હોતા. અમદાવાદમાં આવા બિનજરૂરી કટસ દૂર કરવાની કામગીરી શરૂ થશે. સાથે ટ્રાફિક સિગ્નલોને AI આધારિત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેથી વાહનોને ઓછો સમય ઊભું રહેવું પડે. નવા સિસ્ટમથી 60 સેકન્ડની જગ્યાએ 45 સેકન્ડનું જ વેઇટિંગ રહેશે, જે ટ્રાફિક પ્રવાહને વધુ ગતિશીલ બનાવશે.

