યુવાનો માટે ખતરાની ઘંટડી? એન્ટ્રી-લેવલની નોકરીઓ પર AI નો કબજો!
કોઈપણ સફળ બિઝનેસ લીડર કે સંસ્થાના વડાની સફર સીધી બોર્ડરૂમથી શરૂ નથી થતી. દરેક મહાન નેતાની શરૂઆત કોઈને કોઈ એન્ટ્રી-લેવલ (શરૂઆતના સ્તરની) નોકરીથી થતી હોય છે. રોજબરોજના સામાન્ય કામો, વરિષ્ઠોનું માર્ગદર્શન અને વાસ્તવિક દુનિયાના અનુભવો જ વ્યક્તિમાં નિર્ણય લેવાની ક્ષમતા અને બિઝનેસની સમજ કેળવે છે. પરંતુ, આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના આગમનને કારણે આ આખું ગણિત બદલાઈ રહ્યું છે.
જેમ જેમ કંપનીઓ પોતાના રોજિંદા અને પુનરાવર્તિત કાર્યોનું ઓટોમેશન કરી રહી છે, તેમ તેમ વર્કફોર્સના માળખામાં મોટો ફેરફાર આવી રહ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ નથી કે AI કેટલી નોકરીઓ છીનવી લેશે, પરંતુ સવાલ એ છે કે જો AI એ જ નોકરીઓ ખતમ કરી નાખશે જે ભવિષ્યના લીડર્સને તૈયાર કરે છે, તો પછી આગળ શું થશે? વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ના તાજેતરના અહેવાલમાં આ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ધ ફ્યુચર ઓફ એન્ટ્રી-લેવલ વર્ક’ નામના આ અહેવાલમાં શરૂઆતના કરિયરના માર્ગોને સુરક્ષિત કરવા અને તેને નવો ઓપ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

કરિયરની સીડીનું પહેલું પગથિયું બદલાઈ રહ્યું છે
આજે કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે. અહેવાલ અનુસાર, વૈશ્વિક સ્તરે દર ત્રણમાંથી એક કરતાં વધુ (આશરે ૩૭%) યુવા કર્મચારીઓ એવા વ્યવસાયોમાં છે જ્યાં AI ને કારણે કામ કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. પૂર્વ એશિયા (૭૫%), ઉત્તર અમેરિકા (૬૯%) અને યુરોપ (૬૩%) જેવા પ્રદેશોમાં આ અસર ખૂબ વધારે છે.
ખાસ કરીને ફાઇનાન્સિયલ સર્વિસીસ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રોફેશનલ સર્વિસીસ, સાયન્સ અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં સૌથી મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. તેની સામે કૃષિ, બાંધકામ (કન્સ્ટ્રક્શન) અને ફૂડ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં હાલ પૂરતી આ અસર ઓછી છે. જે ક્ષેત્રોમાં AI નો પ્રભાવ વધુ છે, ત્યાં નવી ભરતીમાં પણ ધીમી ગતિ જોવા મળી રહી છે. જોકે આ મંદી માટે સંપૂર્ણપણે AI જવાબદાર નથી, પણ કંપનીઓ હવે એ વિચારી રહી છે કે કયા કામો ખરેખર માણસો પાસે કરાવવાની જરૂર છે.
‘એઆઈ પેરાડોક્સ’ (AI નો વિરોધાભાસ)
આ અહેવાલમાં એક ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારો વિરોધાભાસ સામે આવ્યો છે: AI ઉત્પાદકતા (Productivity) વધારે છે, પણ તેનાથી કામ સરળ બનતું નથી! આશરે ૬૮% એન્ટ્રી-લેવલના કર્મચારીઓ માને છે કે AI ના કારણે તેમની કામ કરવાની ક્ષમતા વધી છે, પરંતુ તેમાંથી ૪૫% લોકોએ એવું પણ સ્વીકાર્યું છે કે AI ના કારણે તેમનો કામનો સમય વધી ગયો છે.
આ પરિસ્થિતિને કારણે કંપનીઓ સામે એક નવો પડકાર ઊભો થયો છે. તેમણે ટૂંકા ગાળાના નફા અને લાંબા ગાળાના માનવ સંસાધન (Talent Development) વચ્ચે સંતુલન જાળવવું પડશે. જે કંપનીઓ AI માંથી સારો આર્થિક ફાયદો મેળવી રહી છે, તેઓ માત્ર AI ટૂલ્સ ખરીદતી નથી, પરંતુ તેઓ આખી કાર્યપદ્ધતિની પુનઃરચના (Redesign) કરી રહી છે. તેમ છતાં, મોટાભાગની સંસ્થાઓ હજુ પણ એ મૂંઝવણમાં છે કે AI યુગમાં એન્ટ્રી-લેવલની નોકરીઓનું આદર્શ સ્વરૂપ કેવું હોવું જોઈએ.

માનવ સંસાધનનું આયોજન અને નવી વ્યુહરચના
કોઈપણ વ્યવસાયના સાતત્યપૂર્ણ વિકાસ માટે નવું ટેલેન્ટ અનિવાર્ય છે. જો કંપનીઓ માત્ર ઓટોમેશન પાછળ દોડશે, તો ભવિષ્યમાં મેનેજમેન્ટ સંભાળી શકે તેવા અનુભવી લોકોની અછત સર્જાશે. આથી જ, અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે કંપનીઓએ એન્ટ્રી-લેવલની ભરતીને તેમના વર્કફોર્સ પ્લાનિંગનો એક મુખ્ય ભાગ બનાવવો જોઈએ. ઓટોમેશનમાં રોકાણ કરવાની સાથે-સાથે નવી પેઢીને રોજગારી આપવાના સ્પષ્ટ લક્ષ્યો પણ નક્કી કરવા પડશે.
વધુમાં, આજનો યુવા વર્ગ પણ ખૂબ જ લવચીક (Fluid) બન્યો છે. દર પાંચમાંથી એક એન્ટ્રી-લેવલનો કર્મચારી કાં તો કરિયર બદલી રહ્યો છે, અથવા તો ઉંમરના બીજા પડાવે નવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી રહ્યો છે. આ બદલાતા પ્રવાહને સ્વીકારીને કંપનીઓએ પોતાની ટ્રેનિંગ સિસ્ટમ મજબૂત કરવી પડશે.