આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે જિલ્લા વહીવટી તંત્રની મોટી કાર્યવાહી, કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વાસદ મહીસાગર નદી પટમાં આકસ્મિક રેડ, ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે થતા રેતી ખનન અને નિર્ધારિત મર્યાદા કરતા વધુ જથ્થો કાઢતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આ સૂચનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ સંયુક્ત ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં આણંદના પ્રાંત અધિકારી ડૉ. મયુરભાઈ પરમાર, ગ્રામ્ય મામલતદાર વિજયરાજ સિંહ ગોહિલ, ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમે આજે વહેલી સવારથી જ વાસદ ખાતે મહીસાગર નદીના પટમાં બ્રિજ પાસેના વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદે ખનન પ્રવૃત્તિ પર વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Anand Illegal Sand Mining Action 2026 1.png

મહીસાગરના પટમાં બોટ અને એક્સકવેટર મશીનો સાથે મોટી કાર્યવાહી

પ્રાંત અધિકારી ડૉ. મયુરભાઈ પરમારની આગેવાનીમાં મળેલી ટીમે વાસદ મહીસાગર નદીના પટમાં જ્યારે તપાસ હાથ ધરી ત્યારે અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. કોઈપણ જાતની વહીવટી મંજૂરી વિના નાવડીઓ દ્વારા રેતી કાઢતા શખ્સો તેમજ મંજૂરી લીધી હોવા છતાં મર્યાદા બહાર ખનન કરનારા ઈસમો સામે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન તંત્રએ સ્થળ પરથી ૧૦ મોટા રેતી ગાળવાના ચારણા, ૦૭ એક્સકવેટર (હિટાચી) મશીન, ૨૫ બોટ-નાવડી અને ૨૫ જેટલી પાઈપો સહિત કુલ ૪.૩૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ સામગ્રી કબજે કરીને વાસદ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવી છે.

- Advertisement -

Anand Illegal Sand Mining Action 2026 2.png

ખનીજ માફિયાઓ સામે ઝુંબેશ જારી રહેશે

જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આ અંગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આણંદ જિલ્લામાં કુદરતી સંપત્તિની ચોરી કરનારા તત્વોને સહેજ પણ બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ પ્રકારે આકસ્મિક તપાસની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. ખાસ કરીને નદીઓના પટમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને સરકારની આવકને અસર કરતા અનધિકૃત ખનન સામે કડક કાયદાકીય પગલાં ભરવા માટે તંત્ર સજ્જ છે. આ કાર્યવાહીથી સમગ્ર પંથકના ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.