એનઆરઆઈ નાગરિકોને આધારકાર્ડ કઢાવવામાં ન પડે મુશ્કેલી, યુઆઈડીએઆઈ દ્વારા માન્ય દસ્તાવેજોની યાદી જાહેર
આણંદ જિલ્લો મોટી સંખ્યામાં એનઆરઆઈ (NRI) નાગરિકો ધરાવતો જિલ્લો હોવાથી, વિદેશમાં વસતા ભારતીયો જ્યારે વતનમાં આવે ત્યારે તેમને આધાર કાર્ડ સંબંધિત કામગીરીમાં સરળતા રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર દ્વારા પાંચ વર્ષથી વધુ વયના નાગરિકો માટે સ્વીકાર્ય દસ્તાવેજોની સ્પષ્ટતા કરવામાં આવી છે.
આધાર નોંધણી માટેની મુખ્ય પાત્રતા અને શરતો
એનઆરઆઈ અથવા વિદેશી નાગરિકોએ આધાર કાર્ડ કઢાવવા માટે નીચે મુજબના માપદંડો પૂર્ણ કરવાના રહેશે:
-
૧૮૨ દિવસનું રોકાણ: અરજદાર તરત જ અગાઉના ૧૨ મહિનામાં ઓછામાં ઓછા ૧૮૨ દિવસ માટે ભારતમાં રહેલા હોવા જોઈએ.
-
OCI કાર્ડ ધારકો: માન્ય OCI કાર્ડ સાથે વિદેશી પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે.
-
વિદેશી નિવાસીઓ: અન્ય વિદેશી નાગરિકો માટે FRRO/FRO દ્વારા જારી કરાયેલ નોંધણી પ્રમાણપત્ર અથવા રહેણાંક પરમિટ અનિવાર્ય છે.
વિવિધ દેશોના નાગરિકો માટે જરૂરી પુરાવા
૧. નેપાળ અને ભૂતાનના નાગરિકો: જો પાસપોર્ટ ન હોય તો નેપાળી/ભૂતાની નાગરિકતા પ્રમાણપત્ર અથવા ત્યાંના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ મતદાર ઓળખકાર્ડ જેવા બે દસ્તાવેજો રજૂ કરી શકાશે.
૨. લઘુમતી સમુદાયો (LTV ધારકો): અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોએ લાંબા ગાળાના વિઝા (LTV) સાથે પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે.
૩. ઓળખ અને સરનામું: રહેઠાણના પુરાવા તરીકે સંબંધિત સરકારી કચેરી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ પ્રમાણપત્ર માન્ય ગણાશે.
આણંદ જિલ્લાના નાગરિકો અને ખાસ કરીને એનઆરઆઈ પરિવારો આ સુવિધાનો લાભ લઈને સચોટ દસ્તાવેજો સાથે આધાર નોંધણી કરાવી શકે છે. વધુ માહિતી માટે જિલ્લા સેવા સદન અથવા નજીકના આધાર કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે.

