નખત્રાણામાં ગેરકાયદે માટી ખનનનો મામલો: KP Energy સામે બે સરકારી એજન્સીઓનો ધમધમાટ, ફારુક પટેલની કંપની વિવાદમાં
કચ્છના નખત્રાણામાં પવનચક્કી નાંખવા માટે ખનન કામ કરનાર અને સુરતમાં હેડક્વાર્ટર ધરાવતી કેપી એનર્જી સામે વધુ એક સરકારી એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છ. કચ્છના મામલતદાર દ્વારા ગેરકાયદે માટી ખનન માટે નોટીસ આપવામાં આવ્યા બાદ હવે કચ્છ(પશ્ચિમ)ના ભૂસ્તરશાસ્ત્રીએ પણ કેપી એનર્જી સામે કાર્યવાહી કરવા માટે તૈયારી કરી લીધી છે. ભૂસ્તરવિભાગની તપાસ ટીમ સમક્ષ કેપી એનર્જીના કોઈ પ્રતિનિધિ સુદ્વાં હાજર રહ્યા ન હોવાનું ભૂસ્તરશાસ્ત્રીએ અરજદારને આપેલા જવાબ પરથી જાણવા મળી રહ્યું છે. કેપી એનર્જીના માલિક સુરતનાં ફારુક પટેલ(ફારુક કેપી) છે.
વિગતો મુજબ કચ્છનાં નખત્રાણા તાલુકાના તલ, પો.જતાવીરા ગામમાં રહેત અબ્બાસ અમીન જત સહિત અન્યો દ્વારા સહીત અન્યો દ્વારા જિલ્લા સ્વાગત પોર્ટલ પર વૃક્ષછેદન અને ખનીજ ચોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે રજુ કરેલા આવેદન પત્ર બાબતની રજૂઆત કરવામાં આવેલી હતી. અરજદાર દ્વારા અગાઉ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. અરજદારની રજૂઆતના અનુસંધાને ભૂસ્તર વિભાગની તપાસટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. છે.
ભૂસ્તરશાસ્ત્રીની કચેરી કચ્છ (પશ્ચિમ) દ્વારા નિમવામાં આવેલી તપાસ ટીમે કચ્છ (પશ્ચિમ) જિલ્લાના નખત્રાણા તાલુકાના મોજે.છારી,પૈયા, તલ-લૈયારી વિગેરે જેવા ગામોના વિસ્તારમા પવનચક્કી લગાવતી કંપની દ્વારા વૃક્ષછેદન અને ખનીજ ચોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મુખ્યત્વે રજૂઆત કરવામા આવેલી છે. અરજદારનીઅરજીનાં અનુંસંધાને ભૂસ્તર વિભાગની તપાસટીમ દ્વારા સ્થળ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીનો તપાસટીમ દ્વારા સંપર્ક કરતા તેઓ હાજર રહ્યા ન હતા. ઉપસરપંચના વતી તેમના પિતા અને પંચો તેમજ અરજદારની રૂબરૂમા તપાસ હાથ ધરવામાં આવી હતી.
વિગતો મુજબ અરજદાર દ્વારા તપાસટીમને ખાણકામવાળો વિસ્તાર બતાવવામાં આવ્યા હતા અને આવા વિસ્તારમા તપાસ સમયે કોઈ વાહન-મશીનરી જોવા મળી ન હતી તેમજ ખાણકામ ચાલુ હાલતમા જોવા મળ્યું ન હતું.અરજદાર દ્વારા જુદા જુદા ખોદકામ થયેલા વિસ્તાર તપાસટીમને બતાવવામાં આવ્યા હતા અને તેની માપણી અરજદાર, પંચોની રૂબરૂમા કરવામા આવી હતી. ખોદકામ પવનચક્કીની કંપની કે.પી.એનર્જી દ્વારા કરવામાં આવેલ છે અને તેનો ઉપયોગ પવનચક્કીના કામે કરવામાં આવે છે તેવુ અરજદાર અને પંચો દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ અંગે કંપનીના પ્રતિનિધિને તપાસમા હાજર રહેવા જણાવતા કેપી એનર્જીના પ્રતિનિધિઓ હાજર રહ્યા ન હતા. જેથી તપાસટીમ દ્વારા પંચોની રૂબરૂમાં તપાસ કરવામાં આવી હતી. તપાસને આધીન હાલમાં ખાણકામવાળા વિસ્તારની માપણી અન્વયે નકશા આધારિત ચકાસણી અને માપણીશીટની કામગીરી હાલમાં ચાલી રહી છે, જે તૈયાર થયેથી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એવું ભૂસ્તરશાસ્ત્રી દ્વારા લેખિતમાં અરજદારને જણાવવામાં આવ્યું છે.
આ અગાઉ કેપી એનર્જી સામે કચ્છનાં માલતદાર દ્વારા નોટીસ ફટકારવામાં આવેલી છે. કચ્છના નખત્રાણા તાલુકનાં છારી,તલ-લૈયારી અને પૈયા ગામમાં કેપી એનર્જી દ્વારા પવનચક્કી ઉભી કરવા માટે વૃક્ષો અને મીઠી ઝાડી કાપવામાં આવ્યા છે. આ ઝાડીઓ અને વૃક્ષો સત્તાધિકારીની મંજુરી વિના જ કાપવામાં આવતા નખત્રાણાના મામલતદાર આરડી પટેલે ચોથી નવેમ્બરે હાજર રહેવા માટે નોટીસ ફટકારી હતી. પરંતુ આ નોટીસનો જવાબ આપવામાં આવ્યો ન હોવાથી હવે બીજી નોટીસ ફટકકારવામાં આવશે. કેપી એનર્જીએ મોજે ફુલાય(નખત્રાણા તાલુકનાં છારી,તલ-લૈયારી અને પૈયા ગામ)માં સરકારી પડતર ટ્રાવર્સ સર્વે નંબર 60/1 પૈકી વાળી જમીનમાં વૃક્ષ છેદન કર્યુ હોવાની ફરિયાદ અબ્બાસ અમીન દ્વારા કરવામાં આવી છે. મામલતદારે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદનની ધારા 1951ની જોગવાઈ પ્રમાણે શા માટે કાર્યવાહી ન કરવી તેવી નોટીસ આપી છે.
