બાંગ્લાદેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે યુનુસ સરકાર પર સંકટ: હત્યાકાંડ અને વધતી મોંઘવારીએ મુશ્કેલી વધારી
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા રાજકીય માહોલ ઝડપથી તણાવપૂર્ણ બની રહ્યો છે. શેખ હસીનાના સત્તાત્યાગ બાદ રચાયેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર માટે આ પ્રથમ સામાન્ય ચૂંટણી છે, પરંતુ મતદાનના ગણતરીના દિવસો પહેલા જ બે મોટી ઘટનાઓએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
એક તરફ ચર્ચિત વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યાનો મામલો હજુ સુધી ઉકેલાયો નથી, તો બીજી તરફ દેશમાં વધતી મોંઘવારીએ સામાન્ય જનતાની મુશ્કેલી વધારી છે. આ બંને મુદ્દાઓની સીધી અસર ચૂંટણીના વાતાવરણ અને સરકારની વિશ્વસનીયતા પર પડતી દેખાઈ રહી છે.
હાદી હત્યાકાંડ: વચગાળાની સરકારે સંયુક્ત રાષ્ટ્રની મદદ માંગી
ગયા વર્ષે ડિસેમ્બરમાં ઢાકા ફેબ્રુઆરીમાં વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ હાદીને સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ રાજધાની સહિત અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન, આગજની અને હિંસા જોવા મળી હતી.
હત્યાના આરોપીઓને પકડવામાં નિષ્ફળતા મળ્યા બાદ યુનુસ સરકારે હવે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપનો રસ્તો પસંદ કર્યો છે. વચગાળાની સરકારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર હાઈ કમિશનરની કચેરી (OHCHR) ને હાદી હત્યાકાંડની નિષ્પક્ષ અને પારદર્શક તપાસમાં સહયોગ આપવા અપીલ કરી છે.
આરોપી ભારત ભાગી ગયાના દાવા પર વિવાદ
બાંગ્લાદેશી પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે હત્યાનો મુખ્ય આરોપી ફૈઝલ કરીમ ઉર્ફે દાઉદ ખાન ભારતના મેઘાલય બોર્ડર મારફતે ફરાર થઈ ગયો છે. જોકે, ભારતની સીમા સુરક્ષા દળ (BSF) અને મેઘાલય પોલીસે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢતા કહ્યું કે સરહદ ઓળંગવાના કોઈ પુરાવા મળ્યા નથી. દરમિયાન, ઢાકા પોલીસે 17 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે અને દાવો કર્યો છે કે આ કાવતરું અવામી લીગની યુથ વિંગ સાથે જોડાયેલા એક સ્થાનિક નેતાના ઈશારે ઘડવામાં આવ્યું હતું.
મોંઘવારીએ વધારી જનતાની પરેશાની
ચૂંટણી પહેલા સરકાર માટે બીજી મોટી ચિંતા વધતી મોંઘવારી છે. જાન્યુઆરી 2026 માં બાંગ્લાદેશનો કુલ ફુગાવો વધીને 8.58 ટકા પર પહોંચી ગયો છે, જે ડિસેમ્બર 2025 માં 8.49 ટકા હતો. ખાસ કરીને ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં ખાદ્ય મોંઘવારી દર વધીને 8.29 ટકા થઈ ગયો છે, જેની સીધી અસર મધ્યમ અને નિમ્ન વર્ગના મતદારો પર પડી રહી છે.
ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો
આ ઘટનાઓ વચ્ચે લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના આરોપો અને અવામી લીગ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પણ વચગાળાની સરકાર ટીકાઓનો સામનો કરી રહી છે. વિપક્ષ અને માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિ ચૂંટણીની નિષ્પક્ષતાને અસર કરી શકે છે.
હવે જોવાનું એ રહેશે કે હત્યાની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ અને મોંઘવારીનું દબાણ મતદારોના નિર્ણયને કેટલી હદ સુધી પ્રભાવિત કરે છે અને શું યુનુસ સરકાર શાંતિપૂર્ણ અને વિશ્વસનીય ચૂંટણી કરાવવામાં સફળ રહે છે કે નહીં.

