10 બેંક એકાઉન્ટ અને યુપીઆઈ આઈડી મારફતે થયેલી છેતરપીંડીની પોલીસ તપાસ શરૂ
ભરૂચ જિલ્લાના એક કોન્ટ્રાક્ટરને વધુ નફાની લાલચ આપી સાયબર ઠગોએ 1.09 કરોડ રૂપિયા પડાવી લીધાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. નર્મદા કન્ટ્રક્શન માટે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા આ વ્યક્તિએ જયારે ઓનલાઈન વેચાણ દ્વારા કમાણીનો પ્રલોભન આપતાં અજાણ્યા લોકો પર વિશ્વાસ કર્યો, ત્યારે તેઓ છેતરપીંડીનો ભોગ બન્યા. છેતરપીડીનો ભોગ બન્યા બાદ તેઓ સીધા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ નોંધાવવા મજબૂર બન્યા.
ટેલીગ્રામ અને વોટ્સએપ દ્વારા મોકલાઈ ઓનલાઈન સ્ટોરની લીંક
ફરીયાદી આનંદ શર્માને ઑનલાઈન સ્ટોર નામની લીંક મોકલવામાં આવી હતી, જે ટેલીગ્રામ પર ‘ગુરનીત રંધાવા’ નામના પ્રોફાઈલ મારફતે પહોચી હતી. વોટ્સએપ પર આવેલા સંદેશાઓ દ્વારા તેમને વિશ્વાસ અપાવવામાં આવ્યો કે ઓનલાઈન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરી સરળતાથી વધુ નફો મેળવી શકાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં સાયબર ઠગોએ ફરીયાદીનો આધાર કાર્ડ મેળવી તેમના નામે ઓનલાઈન એકાઉન્ટ પણ ખુલાવી દીધા હતાં.
યુપીઆઈ આઈડી અને અનેક બેંક એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન
સાયબર ફ્રોડોએ પોતાની મૂળ ઓળખ છુપાવીને ફરીયાદી પાસેથી સતત વિવિધ યુપીઆઈ આઈડી અને 10 જેટલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા રહ્યા. શરૂઆતમાં 4,930 રૂપિયા અને 35,000 રૂપિયા પરત આપી વિશ્વાસ જગાડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ કુલ 1.10 કરોડ રૂપિયા માંગી લેવામાં આવ્યા, જેમાંથી માત્ર થોડો ભાગ પરત કરી બાકી 1.09 કરોડની સીધી છેતરપીંડી કરાઈ હતી. આ રીતે સાયબર ઠગોએ વિશ્વાસ અને લાલચ બંનેનો લાભ લઈ મોટું નુકસાન પહોંચાડ્યું.
પોલીસ તપાસ ઝડપથી આગળ વધવા લાગી
ઘટનાની ગંભીરતા સમજતા ફરીયાદી તરત જ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પહોંચ્યા હતા. પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ટેક્નિકલ તપાસ, બેંક એકાઉન્ટની વિગતો અને ડિજિટલ ટ્રેસના આધારે આરોપીઓને પકડી પાડવા માટે તંત્ર કાર્યરત છે. આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે ઓનલાઈન નફાની લાલચ ઘણીવાર ગંભીર છેતરપીંડી તરફ દોરી શકે છે.

