“ક્રેશ એ અમીર બનવાની તક છે”: ‘રિચ ડેડ પુઅર ડેડ’ ના લેખકે સમજાવ્યું માર્કેટ તૂટવા પાછળનું ગણિત.
વિશ્વભરના લાખો લોકોને નાણાકીય પાઠ ભણાવનાર લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધડાકો કર્યો છે. પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર તેમની લેટેસ્ટ પોસ્ટમાં તેમણે દાવો કર્યો છે કે વૈશ્વિક શેરબજારો હવે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા માટે તૈયાર છે. કિયોસાકીએ આ ઘટનાને ‘બબલ’ (પોકળ પરપોટો) ફૂટવા સાથે સરખાવી છે અને કહ્યું છે કે આ ક્રેશ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે.
૨૦૧૩ની આગાહી હવે સાચી પડશે?
કિયોસાકીએ તેમની ૨૦૧૩માં પ્રકાશિત થયેલી પુસ્તક ‘રિચ ડેડ્સ પ્રોફેસી’ (Rich Dad’s Prophecy) નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “મેં વર્ષો પહેલા ચેતવણી આપી હતી કે એક મોટો આર્થિક સુનામી આવશે. અત્યાર સુધી જે વિલંબ થયો તે માત્ર દેવાની કૃત્રિમ વૃદ્ધિને કારણે હતો, પણ હવે અંત નજીક છે.” તેમના મતે, જે લોકો આર્થિક રીતે શિક્ષિત નથી, તેમના માટે આ ક્રેશ એક ‘ખરાબ સ્વપ્ન’ જેવો સાબિત થશે, કારણ કે તેમની જીવીત બચત (Savings) નું મૂલ્ય રાતોરાત ઘટી શકે છે.
I Am Warning You: In Rich Dad’s Prophecy published 2013 I warned of the biggest stock market crash in history still coming.
That giant crash is now imminent.
The good news is those of you who followed my rich dad’s warning and prepared….the coming crash will make you richer…
— Robert Kiyosaki (@theRealKiyosaki) February 17, 2026
અમીર બનવાની ‘સુવર્ણ તક’ કઈ રીતે?
સામાન્ય રીતે માર્કેટ ક્રેશ થાય ત્યારે લોકો ગભરાઈને પોતાની સંપત્તિ વેચવા લાગે છે (Panic Selling), પણ કિયોસાકી આને એક ‘સેલ’ (Sale) તરીકે જુએ છે. તેમણે સમજાવ્યું કે:
કિંમતી એસેટ્સ સસ્તા ભાવે: જ્યારે બજાર તૂટે છે, ત્યારે ઉત્તમ કંપનીઓના શેર અને કિંમતી ધાતુઓ કડીના ભાવે મળે છે. આ જ સમય છે જ્યારે અબજોપતિઓ પોતાનું સામ્રાજ્ય ઉભું કરે છે.
ટ્રાન્સફર ઓફ વેલ્થ: કિયોસાકી માને છે કે ક્રેશ એ સંપત્તિના હસ્તાંતરણની પ્રક્રિયા છે. ગભરાયેલા લોકો પાસેથી સંપત્તિ શાંત અને તૈયાર રોકાણકારો પાસે જાય છે.
કિયોસાકીનો ‘પોર્ટફોલિયો’: શું ખરીદવું જોઈએ?
રોબર્ટ કિયોસાકીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે ‘પેપર એસેટ્સ’ (જેમ કે કરન્સી નોટો અથવા બોન્ડ્સ) પર ભરોસો કરતા નથી. તેમણે પોતાની મનપસંદ ૪ વસ્તુઓ જણાવી છે જે તેમને સુરક્ષિત રાખશે:
૧. સોનું (Gold): ભગવાનના પૈસા (God’s Money).
૨. ચાંદી (Silver): ઉદ્યોગ અને રોકાણ બંને માટે અનિવાર્ય.
૩. બિટકોઈન (Bitcoin): પીપલ્સ મની (લોકોના પૈસા), જેની મર્યાદિત સંખ્યા તેને કિંમતી બનાવે છે.
૪. ઇથેરિયમ (Ethereum): ડિજિટલ અર્થતંત્રનું બળતણ.
બિટકોઈન પર અતુટ વિશ્વાસ
બિટકોઈન પ્રત્યેનો તેમનો પ્રેમ કોઈનાથી છુપાયો નથી. તેમણે કહ્યું કે, “બિટકોઈન માત્ર ૨૧ મિલિયન જ રહેવાના છે. જ્યારે સેન્ટ્રલ બેંકો અમર્યાદિત નકલી પૈસા (ફિયાટ કરન્સી) છાપે છે, ત્યારે બિટકોઈન જેવી મર્યાદિત એસેટ્સની કિંમત આસમાને પહોંચશે.” તેમણે રોકાણકારોને સલાહ આપી છે કે જો બિટકોઈનની કિંમત નીચે જાય, તો ડરવાને બદલે તેને વધુ ખરીદવો જોઈએ.
રોકાણકારો માટે સંદેશ
લેખકે ભારપૂર્વક જણાવ્યું કે અમીર બનવા માટે બજાર ક્યારે ઉપર જશે તેની રાહ ન જુઓ, પણ બજાર ક્યારે નીચે આવશે તેની તૈયારી રાખો. “શિક્ષણ એ સૌથી મોટી સંપત્તિ છે,” તેમણે અંતમાં ઉમેર્યું. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના આ સમાચાર શેરબજારના રોકાણકારો માટે એક મોટી લાલબત્તી સમાન છે.
