CC ના મુદ્દે ભાજપ એક પછી એક રાજ્યમાં કેમ આગળ વધી રહી છે, સીધો સંસદમાંથી કાયદો કેમ પસાર કરી રહ્યા નથી?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં મુંબઈમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૯ ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) અને એનડીએ શાસિત તમામ ૨૧ રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પૂર્ણપણે લાગુ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ હવે ભાજપ તેના ત્રીજા મુખ્ય વૈચારિક લક્ષ્યાંક એવા ‘સમાન નાગરિક સંહિતા’ ને પૂર્ણ કરવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.
પરંતુ આ ક્ષેત્રે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ત્યારે સંસદ મારફતે સમગ્ર દેશ માટે એક જ રાષ્ટ્રીય કાયદો બનાવવાની જગ્યાએ પક્ષ શા માટે એક પછી એક રાજ્યમાં UCC લાગુ કરવાની રણનીતિ અપનાવી રહ્યો છે?
કેન્દ્રીય કાયદો ન લાવવા પાછળના બંધારણીય અને રાજકીય કારણો
ભારતીય બંધારણમાં લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા, વારસો અને ઉત્તરાધિકાર જેવા વિષયો ‘સમવર્તી યાદી’ (Concurrent List) ની એન્ટ્રી ૫ હેઠળ આવે છે. આનો અર્થ એ થાય છે કે સંસદ અને રાજ્ય વિધાનસભા બંનેને આ વિષયો પર કાયદો બનાવવાની બંધારણીય સત્તા આપેલી છે.

પરંતુ કાનૂની જોગવાઈઓ કરતાં વધુ મહત્વના રાજકીય અને સામાજિક કારણો છે. ભારતમાં વ્યક્તિગત કાયદાઓ અને પરંપરાગત પ્રથાઓમાં પ્રચંડ વિવિધતા રહેલી છે. ખાસ કરીને દેશના વિવિધ રાજ્યોના આદિવાસી સમુદાયો અને પૂર્વોત્તરના રાજ્યોની પરંપરાઓ એકબીજાથી તદ્દન અલગ છે. ઉદાહરણ તરીકે, ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશના આદિવાસીઓની સામાજિક પ્રથાઓ છત્તીસગઢ કે નાગાલેન્ડના આદિવાસીઓ કરતાં ભિન્ન છે. આથી ફોજદારી કાયદાની જેમ એક જ રાષ્ટ્રીય સંહિતા બનાવવી અત્યંત જટિલ પ્રક્રિયા છે.
રાજ્યવાર રસ્તો અપનાવવાથી ભાજપને વિવિધ પ્રદેશોમાં આ કાયદાના મોડેલનું પરીક્ષણ કરવાની, સ્થાનિક સંસ્કૃતિ સાથે તાલમેલ બેસાડવાની અને મોટા રાજકીય વિરોધ વિના કાયદાકીય અમલ દર્શાવવાની તક મળે છે.
RSS નો અભિગમ અને વિવિધ રાજ્યોના મોડેલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) હંમેશાં UCC નો સમર્થક રહ્યો છે, પરંતુ તેને લાગુ કરવાની રીત અંગે સંઘનો અભિગમ વધુ સાવચેત રહ્યો છે. સંઘની પ્રથમ પસંદગી એ હતી કે પહેલા ભાજપ શાસિત રાજ્યો પોતપોતાના કાયદા બનાવે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર તે અનુભવોના આધારે વ્યાપક રાષ્ટ્રીય કાયદા પર વિચાર કરે.
હાલમાં ભાજપ શાસિત ઉત્તરાખંડ, ગુજરાત, આસામ અને મધ્ય પ્રદેશે UCC બિલ પસાર કર્યા છે, જેમાં ઉત્તરાખંડે જાન્યુઆરી ૨૦૨૫ માં સૌથી પહેલા આ કાયદો અમલી બનાવ્યો હતો. આ તમામ રાજ્યોના કાયદાઓમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ, લગ્નની ફરજિયાત નોંધણી અને લિવ-ઈન સંબંધોનું નિયમન મુખ્ય જોગવાઈઓ છે. જોકે, તમામ રાજ્યોએ પોતાના કાયદામાંથી અનુસૂચિત જનજાતિ (ST) ને બાકાત રાખીને સ્થાનિક સંવેદનશીલતાઓને માન આપવાનો પ્રયાસ કર્યો છે.

સાથી પક્ષોનો દ્રષ્ટિકોણ અને બંધારણીય પડકારો
UCC અંગે વિપક્ષો આરોપ લગાવી રહ્યા છે કે આ કાયદો લઘુમતીઓના વ્યક્તિગત કાયદાઓને લક્ષ્ય બનાવવા માટે લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ, એનડીએના ઘટક પક્ષો જેવા કે જેડીયુ (JDU) અને ટીડીપી (TDP) એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયદાની વિરુદ્ધ નથી પરંતુ દેશના સામાજિક સંતુલનને જાળવી રાખીને વ્યાપક સર્વસંમતિ સાધવી જરૂરી છે.
બંધારણની કલમ ૪૪ માં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો હેઠળ નાગરિકો માટે સમાન સંહિતા બનાવવાનો ઉલ્લેખ છે, પરંતુ તે મૂળભૂત અધિકાર નથી. ૨૧મા કાયદા પંચે ૨૦૧૮ માં જણાવ્યું હતું કે આ તબક્કે રાષ્ટ્રીય UCC ‘ન તો જરૂરી છે ન તો ઈચ્છનીય’, જ્યારે ૨૨મા કાયદા પંચે ૨૦૨૩ માં ફરીથી આ મુદ્દે મંતવ્યો મંગાવ્યા હતા. રાજ્યવાર કાયદાઓ લાગુ કરીને ભાજપ ૨૦૨૯ સુધીમાં દેશભરમાં એક સમાન કાનૂની માળખું તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે.
