મિશન ગુજરાત: પદભાર સંભાળ્યા બાદ નીતિન નબીનનો પ્રથમ ગુજરાત પ્રવાસ, જાણો ૩ દિવસનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે પધાર્યા છે. અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત હોવાથી અમદાવાદ એરપોર્ટ પર તેમનું અદભૂત સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ‘ગુજરાત એટલે ભાજપ, ભાજપ એટલે ગુજરાત’ના ગગનભેદી નારા અને બેનરો સાથે વાતાવરણ ગજવી દીધું હતું, તો બીજી તરફ પરંપરાગત પાટણના પટોળા અર્પણ કરી તેમનું ભાવભીનું અભિવાદન કરાયું હતું. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં સંગઠન અને સમાજના વિવિધ વર્ગો સાથે સીધો સંવાદ કરશે.
આજના કાર્યક્રમોની વાત કરીએ તો, બપોરે ૩.૩૦ કલાકે નારણપુરાની GSC બેંક ખાતે નીતિન નબીન ગુજરાતના તમામ સાંસદો અને ધારાસભ્યો સાથે એક મહત્વની બેઠક યોજશે, જેમાં આગામી રણનીતિ અંગે ચર્ચા થઈ શકે છે. ત્યારબાદ સાંજે ગાંધીનગર ઇન્ફોસિટી ખાતે તેઓ શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, ડૉક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે ‘બજેટ મીટ’માં સંવાદ કરશે. પ્રવાસના બીજા દિવસે તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કરી જનતા સાથે ભળશે અને નગરદેવી ભદ્રકાળી માતાના આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરશે.
૨૧ ફેબ્રુઆરીએ તેઓ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે સંગઠનના હોદ્દેદારો અને સોશિયલ મીડિયા ટીમ સાથે બેઠકો કરી માર્ગદર્શન આપશે. ઉપરાંત, ગિફ્ટ સિટીમાં યુવા સાહસિકો સાથે ‘યંગ વોઇસ સમિટ’ અને સાંજે GMDC ગ્રાઉન્ડ ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરશે. પ્રવાસના અંતિમ દિવસે ૨૨ ફેબ્રુઆરીએ, અમદાવાદની ઐતિહાસિક પોળ સંસ્કૃતિ વચ્ચે ખાડિયામાં સ્થાનિકો સાથે બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને નિહાળશે અને ત્યારબાદ બપોરે દિલ્હી જવા રવાના થશે.

