શું જસપ્રીત બુમરાહ ફરી ઈજાગ્રસ્ત છે? IPL 2026 પહેલા બેંગલુરુ પહોંચ્યો આ ધાકડ બોલર
IPL 2026ની શરૂઆતને હવે ગણતરીના 4 દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફ્રેન્ચાઈઝી અને ફેન્સની ચિંતા વધારી દીધી છે. બુમરાહ હજુ સુધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાયો નથી, જેને કારણે સોશિયલ મીડિયા પર તેની ફિટનેસને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. IPLની આ સીઝનનો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ તેની પ્રથમ મેચ 29 માર્ચે KKR સામે રમશે.
બેંગલુરુના સેન્ટર ઓફ એક્સલન્સમાં છે બુમરાહ
તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ હાલમાં મુંબઈમાં હોવાને બદલે બેંગલુરુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ (COE) માં છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બુમરાહ ત્યાં રૂટિન ચેક-અપ માટે ગયો છે કે પછી તેને કોઈ જૂની ઈજા ફરી ઉભરી છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, સીઝન શરૂ થવાના થોડા દિવસો પહેલા જ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના નવા સ્વરૂપ COE માં તેની હાજરીએ ચાહકોના મનમાં ડર પેદા કર્યો છે.
T20 વર્લ્ડ કપ 2026 માં રહ્યું શાનદાર પ્રદર્શન
જસપ્રીત બુમરાહ છેલ્લે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમતા જોવા મળ્યા હતા. તે ઐતિહાસિક મેચમાં તેમણે માત્ર 15 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી, જેના કારણે તેમને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા. આખા ટુર્નામેન્ટમાં બુમરાહ સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યા હતા, જ્યાં તેમણે 9 મેચમાં 14 વિકેટ ઝડપી હતી. હવે મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ ઈચ્છી રહ્યા છે કે તે જલ્દી ફિટ થઈને મેદાન પર પરત ફરે.
મુંબઈ ઈન્ડિયન્સનું મજબૂત પેસ એટેક
જો બુમરાહ ફિટ રહે છે, તો આ વખતે મુંબઈ ઈન્ડિયન્સનું પેસ એટેક અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. ટીમમાં જસપ્રીત બુમરાહની સાથે ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચાહર જેવા અનુભવી બોલરો પણ સામેલ છે. IPL 2025 ની વાત કરીએ તો, બુમરાહે 12 મેચમાં 18 વિકેટ લીધી હતી. હાલમાં તે IPL ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે, જેણે અત્યાર સુધી 145 મેચમાં 183 વિકેટ ઝડપી છે.

