સૂતી વખતે છાતીમાં થતા દુખાવાને ન કરો નજરઅંદાજ, જાણો કઈ સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો?
જો તમને રાત્રે સૂતી વખતે અથવા અચાનક ઊંઘમાંથી જાગી ગયા પછી છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાય છે, તો તેને હળવાશથી લેવો ભૂલભરેલું સાબિત થઈ શકે છે. મોટાભાગના લોકો આ પ્રકારના દુખાવાને ગેસ, એસિડિટી કે દિવસભરના થાકનું પરિણામ માનીને અવગણતા હોય છે. પરંતુ નિષ્ણાતોના મતે, વારંવાર થતો આ દુખાવો કોઈ ગંભીર શારીરિક સમસ્યા અથવા હૃદયરોગનો પૂર્વ સંકેત હોઈ શકે છે.
રાત્રે છાતીમાં દુખાવો થવા પાછળના મુખ્ય કારણો
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, રાત્રે છાતીમાં દુખાવો થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. તેમાંથી કેટલાક સામાન્ય છે, તો કેટલાક જીવલેણ પણ હોઈ શકે છે:
- એન્જાઈના (હૃદય સંબંધિત સમસ્યા): જ્યારે હૃદય સુધી લોહી પહોંચાડતી નસો સાંકડી થઈ જાય છે, ત્યારે હૃદયને પૂરતો ઓક્સિજન મળતો નથી. આ સ્થિતિને ‘એન્જાઈના’ કહેવામાં આવે છે. તેના કારણે છાતીમાં દબાણ કે ભાર અનુભવાય છે. આ દુખાવો આરામ કરતી વખતે કે ઊંઘમાં પણ થઈ શકે છે, જે હાર્ટ અટેકનું જોખમ વધારે છે.
- એસિડ રિફ્લક્સ અથવા એસિડિટી: ઘણીવાર રાત્રે જમ્યા પછી તરત સૂઈ જવાથી પેટનો એસિડ અન્નનળીમાં ઉપર આવે છે. આનાથી છાતીમાં બળતરા કે દુખાવો થાય છે. લોકો તેને ‘હાર્ટબર્ન’ તરીકે ઓળખે છે, પરંતુ જો આ સમસ્યા રોજિંદી બની જાય તો ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
- બ્લડ પ્રેશર અને ફેફસાની સમસ્યા: જો રાત્રે અચાનક બ્લડ પ્રેશર વધી જાય, તો છાતીમાં દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત, ફેફસામાં સોજો (પ્લ્યુરીસી) જેવી સમસ્યા હોય તો શ્વાસ લેતી વખતે છાતીમાં સોય ભોંકાતી હોય તેવી પીડા થાય છે.
ક્યારે હોઈ શકે છે હાર્ટ અટેકનો સંકેત?
જો છાતીમાં દુખાવાની સાથે નીચે મુજબના લક્ષણો દેખાય, તો તે મેડિકલ ઇમરજન્સી હોઈ શકે છે:
- તીવ્ર દબાણ: છાતી પર કોઈ ભારે પથ્થર મૂક્યો હોય તેવું દબાણ અનુભવવું.
- ઠંડો પરસેવો: એસી કે પંખો ચાલુ હોવા છતાં અચાનક ઠંડો પરસેવો વળવો.
- ઉબકા કે ઉલટી: દુખાવાની સાથે જીવ ગભરાવો અથવા ઉલટી જેવું લાગવું.
- શ્વાસ લેવામાં તકલીફ: પૂરતો શ્વાસ ન લઈ શકવો અથવા દમ ચડવો.
- ચક્કર આવવા: અચાનક નબળાઈ લાગવી અથવા બેભાન થઈ જવું.
આ લક્ષણો હાર્ટ અટેકના હોઈ શકે છે અને સમયસર સારવાર ન મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.
આવી સ્થિતિમાં શું કરવું?
જો તમને રાત્રે વારંવાર છાતીમાં દુખાવો થતો હોય, તો તેને નજરઅંદાજ કર્યા વિના તાત્કાલિક હૃદયરોગના નિષ્ણાત (Cardiologist) પાસે તપાસ કરાવો. ડૉક્ટર તમારી સ્થિતિ મુજબ ECG, ટ્રેડમિલ ટેસ્ટ કે અન્ય રિપોર્ટ્સ કરાવીને સાચું કારણ જાણી શકે છે. જો દુખાવો અચાનક અને ખૂબ જ તીવ્ર હોય, તો ઘરેલુ નુસખા કરવાને બદલે તરત જ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદ લો.

