ગણદેવીની નવી જાત અને GI ટેગ સાથે ચીકુ ઉદ્યોગ ખેતીને આપી રહ્યો છે નવો વળાંક
દક્ષિણ ગુજરાત ચીકુ ઉત્પાદન માટે દેશભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ખાસ કરીને નવસારી, વલસાડ અને સુરત જિલ્લાઓ ચીકુની ઉત્તમ ગુણવત્તા અને વિશાળ ઉત્પાદન માટે જાણીતા છે. માત્ર નવસારી જિલ્લામાં જ 10થી 14 હજાર હેક્ટર જેટલો વિસ્તાર ચીકુની ખેતી માટે સમર્પિત છે, જ્યાંની જમીન અને આબોહવા આ પાકને વિશેષ સહાયરૂપ બને છે. સતત મળતા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનને કારણે આ વિસ્તારમાંના ચીકુને ગત વર્ષે GI ટેગ પ્રાપ્ત થયો હતો, જે ખેડૂતો માટે ગૌરવની બાબત છે.
નવી જાત ‘ગણદેવી મુરબ્બત’થી વધતી લોકપ્રિયતા
ચીકુ સંશોધન ક્ષેત્રે સતત નવા પ્રયોગો થતા રહે છે, જેના પરિણામે નવી અને ગુણવત્તાસભર જાતો વિકસતી રહે છે. એવી સફળ જાતોમાં ‘ગણદેવી મુરબ્બત’નું નામ ખાસ ઉલ્લેખનીય છે. ગણદેવીના કાલી પટ્ટી વિસ્તારમાં આ જાતનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. સ્વાદમાં મીઠાશ, લાલચોળ રંગ અને આકર્ષક દેખાવને લીધે આ ચીકુની માંગ બજારમાં સતત વધી રહી છે.
પાક્યા બાદ રાખવામાં આવતી મુશ્કેલીઓ ખેડૂત માટે ચિંતાનું કારણ
ચીકુની સૌથી મોટી સમસ્યા તેની ઓછી સ્ટોરેજ ક્ષમતા છે. પાક્યા બાદ થોડા જ દિવસોમાં તે બગડી જાય છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. બજારમાં માંગ ઘટે, પુરવઠો વધે અથવા પરિવહનમાં વિલંબ થાય તો ઘણા પાકેલા ચીકુ વેડફાઈ જાય છે. આ સ્થિતિ ખેડૂતના ખર્ચ અને મહેનત બંને પર પાણી ફેરવી નાખે છે, જેને કારણે ચીકુ ઉદ્યોગ અનેકવાર નુકસાન તરફ ધકેલાય છે.
વેલ્યુ એડિશન: ખેડૂતો માટે કમાણીનો નવો દ્વાર
આ પડકારનો ઉકેલ લાવવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ચીકુમાંથી વેલ્યુ એડેડ પ્રોડક્ટ બનાવવા ટેકનિક વિકસાવવામાં આવી છે. ચીકુનો ગોળ, ચીકુ ચિપ્સ અને ચીકુ પાવડર જેવા ઉત્પાદનો સડી ગયેલા અથવા વધારે પાકી ગયેલા ફળમાંથી પણ તૈયાર કરી શકાય છે. ગામડાં સ્તરે યુનિટો ઊભી થાય તો ખેડૂતોને ઉત્પાદન ન વેડફે તેમજ વધારાની આવકનું સ્ત્રોત મળી શકે. વેલ્યુ એડિશન સહાયરૂપ બનશે તો ચીકુનું બગડવાનું જોખમ પણ ઘટી શકે છે.
માર્કેટ લિંક અને વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચની કટિનાઈ
ગણદેવીના ખેડૂતો જણાવે છે કે તેમના વિસ્તારનું મોટાભાગનું ઉત્પાદન અમલસાડ મંડળી મારફતે ઉત્તર ભારત મોકલવામાં આવે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી ચીકુ પહોંચવામાં 3 થી 4 દિવસ લાગી જાય છે, જે દરમિયાન નુકસાનનું જોખમ વધે છે. 20 કિલોની એક પેટી મોકલવા 150 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે ખેડૂતને પાછા મળતા ભાવ ઘણીવાર 50થી 100 રૂપિયા જેટલા જ રહે છે. પરિણામે મહેનત તો વધુ પરંતુ આવક ઘણીવાર ઓછી રહે છે.
હાલના ગ્રાહકો તૈયાર, સ્વચ્છ અને ઉત્તમ ગુણવત્તાવાળા ફળ ખરીદવાનું પસંદ કરે છે. ચીકુને કાચા, અડધા પાકેલા અને સંપૂર્ણ પાકેલા વિભાગમાં વહેંચીને વેચવું પડે છે, જેના કારણે વિતરણ વ્યવસ્થા પણ જટિલ બને છે. માર્ચ પછી વધતા ઉત્પાદન અને ઓછી માંગને કારણે ભાવ ઘટી જાય છે, જ્યારે પાકેલા ચીકુ ઝડપથી બગડી જાય તો ખેડૂતોને વધુ નુકસાન વેઠવું પડે છે. આ પરિસ્થિતિ સતત ઉત્તમ માર્કેટ સપોર્ટની જરૂરિયાત દર્શાવે છે.
બાયપ્રોડક્ટ યુનિટોથી ચીકુ ઉદ્યોગને નવો માર્ગ
ખેડૂતો માને છે કે જો ચીકુના બાયપ્રોડક્ટ્સ બનાવવા માટે ગ્રામ્ય સ્તરે યુનિટો સ્થાપિત થાય તો બગાડનો ખતરો ઘટશે. ચીકુનો ગોળ, ચિપ્સ તથા પાવડર જેવા ઉત્પાદનોને લાંબા સમય સુધી સાચવી શકાય એવી ગુણવત્તા મળે તો બજારમાં તેમની વધુ માંગ ઉભી થઈ શકે. આ ઉત્પાદનોનો સેલ્ફ લાઈફ ઓછામાં ઓછો એક વર્ષ થઈ શકે તો ચીકુ ઉદ્યોગને સ્થિરતા, ખેડૂતોને લાભ અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન મળી શકે છે.

