દમણથી ગુજરાત આવતો દારૂ: કોણ છે પડદા પાછળના એ ‘વહીવટદારો’?
‘સત્ય ડે’ દ્વારા દમણથી ગુજરાતમાં ઠલવાતા ગેરકાયદેસર દારૂના નેટવર્ક અને મુખ્ય બુટલેગરોના નામોનો સનસનીખેજ પર્દાફાશ કરાતા જ સમગ્ર પંથકમાં અને સરહદી વિસ્તારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અહેવાલની એવી વ્યાપક અસર જોવા મળી છે કે બુટલેગરો અને કથિત વહીવટદારોમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આ નેટવર્ક હજુ પણ સંપૂર્ણ બંધ થયું નથી, જેને પગલે જવાબદાર તંત્રની ઢીલી નીતિ સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
રાશિઓ પાછળ છુપાયેલા ‘વહીવટદારો’ કોણ?
સૂત્રોનો મોટો દાવો અગાઉના અહેવાલમાં દર્શાવ્યા મુજબ મિથુન, વૃષભ, તુલા, કન્યા, વૃશ્ચિક, ધનુ અને મકર જેવી રાશિઓ ધરાવતા કથિત વહીવટદારો આ મામલો ગમે તેમ કરીને શાંત કરવા અને સેટિંગ પાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે આ સમગ્ર કાળા કારોબારમાં પડદા પાછળ રહીને કથિત રીતે દોરી સંચાર કરતા હોવાના આક્ષેપો સાથે કેટલાક ચોંકાવનારા નામો સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયામાં જોરશોરથી ચર્ચાવા લાગ્યા છે.
સ્થાનિક સૂત્રો અને ચર્ચાઓ મુજબ આ સિન્ડિકેટમાં નીચેના નામો શંકાના દાયરામાં હોવાની ચર્ચા છે: ખુમાન તેજપાલ કનક રજની ઋતુરાજ પ્રતિપાલ નોંધ: આ તમામ નામો સ્થાનિક ચર્ચાઓ અને આંતરિક વર્તુળો દ્વારા સામે આવેલા આક્ષેપો પર આધારિત છે, જેની સત્તાવાર પુષ્ટિ થવી હજુ બાકી છે અને તે સંપૂર્ણ તપાસનો વિષય છે. ‘સત્ય ડે’ કોઈના પર અંગત આક્ષેપ કરતું નથી, પરંતુ જનહિતમાં તટસ્થ તપાસની માંગ કરે છે.
અહેવાલ બાદની સ્થિતિ: માત્ર માહોલ માપવામાં વ્યસ્ત?
તમામ સચોટ માહિતી સામે આવી હોવા છતાં, જવાબદાર અધિકારીઓ કડક પગલાં લેવાના બદલે હાલ માત્ર ‘માહોલ’ માપી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દારૂ ભરેલી ગાડીઓનો કાફલો સંપૂર્ણપણે બંધ થયો નથી, પકડાઈ જવાના ડરે માત્ર ગાડીઓનો આંકડો ઘટાડવામાં આવ્યો છે. રોજ જે રૂટ પરથી અંદાજે ૧૦૦ ગાડીઓ નીકળતી હતી, ત્યાં ‘સત્ય ડે’ના ડરથી ગઈકાલે રાત્રે માત્ર ૧૮ થી ૨૦ ગાડીઓ જ પસાર થઈ શકી હોવાનો અંદાજ છે.
આગામી સમયમાં મોટા ખુલાસાની વકી
પત્રકારત્વના ધર્મને નિભાવતા ‘સત્ય ડે’ માત્ર નામ પૂરતું સીમિત નહીં રહે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ કથિત વહીવટદારો બુટલેગરો પાસેથી દર મહિને હપ્તા પેટે કેટલી મોટી રકમો મેળવે છે અને આ ફંડિંગનું નેટવર્ક ક્યાં સુધી વિસ્તરેલું છે, તેના આંકડાકીય પુરાવાઓ પણ ટૂંક સમયમાં સામે આવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ ચર્ચાતા નામો અને સમગ્ર કૌભાંડ સામે ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ વિભાગ દ્વારા ક્યારે અને કેવા કડક પગલાં લેવામાં આવે છે, કે પછી માત્ર મામલો થાળે પાડવાના પ્રયાસો ચાલુ રહેશે?
બુટલેગિંગ અને હપ્તાખોરીના આ મહાજાળના તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ્સ માટે જોતા રહો… માત્ર ‘સત્ય ડે ન્યૂઝ’!
