બાગાયત ક્ષેત્રે ડાંગ જિલ્લાના ખેડૂતોની નવી સિદ્ધિ, જામલાપાડામાં કાજુ વેલ્યુ એડિશનથી વધ્યો આવકનો સ્ત્રોત
ડાંગ જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. વઘઇ તાલુકાના જામલાપાડા ગામે કાર્યરત ‘અંબિકા બાગાયત ફળ, ફૂલ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી’ આ પરિવર્તનનું મુખ્ય કેન્દ્ર બની છે. વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી આ મંડળીના માધ્યમથી સ્થાનિક ખેડૂતો કાજુની ખેતી તરફ વળ્યા છે. શરૂઆતમાં વાડી પ્રોજેક્ટ હેઠળ રોપાયેલા કાજુના વૃક્ષો આજે એક મોટા ઉદ્યોગમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે.
પ્રોસેસિંગ યુનિટ દ્વારા મહિલાઓને ઘરઆંગણે રોજગારી
જામલાપાડાની આ સહકારી મંડળી માત્ર કાજુ પકવતી જ નથી, પરંતુ તેનું મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન) પણ કરે છે. અહીં સ્થાપિત કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટમાં વર્ષના ૮ થી ૯ મહિના સુધી કામગીરી સતત ચાલુ રહે છે. આ યુનિટનો સૌથી મોટો ફાયદો સ્થાનિક મહિલાઓને થયો છે, જેમને હવે રોજીરોટી માટે બહારગામ જવું પડતું નથી. મંડળીમાં કામ કરતા ઉર્મિલાબેન અને બેબીબેન જેવા અનેક મહિલા શ્રમિકો આજે ઘરકામની સાથે સાથે ગામમાં જ સન્માનજનક કમાણી કરી રહ્યા છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
સરકારની સબસિડી અને વૈશ્વિક માર્કેટની તકો
રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા આ મંડળીને આધુનિક મશીનરી માટે માતબર સબસિડી પૂરી પાડવામાં આવી છે. શોર્ટિંગ અને ગ્રેડિંગના સાધનો પર ૯૦ ટકા અને પ્રોસેસિંગના સાધનો પર ૭૫ ટકા સહાય મળતા ખેડૂતો માટે કામગીરી સરળ બની છે. આ મંડળી વાર્ષિક ૫૦ લાખ રૂપિયા જેટલું ટર્નઓવર કરી રહી છે. આગામી સમયમાં સુરત ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દ્વારા ડાંગના આ કાજુ ઉત્પાદનોને વૈશ્વિક પ્લેટફોર્મ મળવાની પણ પૂરી શક્યતાઓ છે, જે સ્થાનિક ઉદ્યોગ સાહસિકો માટે પ્રોત્સાહક સાબિત થશે.
પ્રવાસન અને વેચાણ દ્વારા આર્થિક મજબૂતી
વઘઇ અને સાપુતારા આવતા પ્રવાસીઓ માટે આ કાજુ પ્રોસેસિંગ યુનિટ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીંથી પ્રવાસીઓ ઉચ્ચ ગુણવત્તાવાળા કાજુની સીધી ખરીદી કરી શકે છે. મંડળી ખેડૂતો પાસેથી સીધા કાજુ ખરીદીને તેમને બજાર કરતાં વધુ સારા ભાવ અપાવે છે, જેથી વચેટિયાઓની પ્રથા નાબૂદ થઈ છે. ગ્રેડિંગ, પેકિંગ અને સોર્ટિંગની વૈજ્ઞાનિક પદ્ધતિને કારણે ડાંગના કાજુની માંગ સતત વધી રહી છે. સરકારના પ્રોત્સાહન અને ખેડૂતોની મહેનતના સંગમથી જામલાપાડાનું આ સ્ટાર્ટઅપ સમગ્ર જિલ્લા માટે પથદર્શક બન્યું છે.

