પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ્યું, સ્થાનિકોમાં ભારે રોષ
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આજે 16 ડિસેમ્બરની વહેલી સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. કમલ તળાવની આસપાસ વર્ષોથી ઉભા થયેલા ગેરકાયદેસર કાચા તેમજ પાકા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. વહેલી સવારથી શરૂ થયેલી આ કામગીરીને પગલે સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. અચાનક શરૂ થયેલી કાર્યવાહીથી રહેવાસીઓમાં ભારે ચિંતા જોવા મળી.
પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફરી વળ્યું
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. AMCના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બળિયાદેવ નગર, ભરવાડ વાસ, શિવશક્તિ નગર અને શર્માજીની ચાલી સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઈ. કમલ તળાવના કિનારે આવેલા મકાનોને એક પછી એક જમીનદોસ્ત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યવાહી પોલીસની દેખરેખ હેઠળ શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી.
ઘરો તૂટતાં જોવા મળ્યા કરુણ દ્રશ્યો
કાર્યવાહી દરમિયાન અનેક હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા હતા. વર્ષો સુધી મહેનત કરીને ઉભા કરેલા ઘરો પોતાની આંખો સામે તૂટતા જોઈ અનેક પરિવારોએ રડતા રડતા પોતાની વેદના વ્યક્ત કરી. ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો માટે આ સ્થિતિ અત્યંત કઠિન બની ગઈ હતી. કડકડતી ઠંડી વચ્ચે અચાનક છત વિનાના બનેલા પરિવારો ભવિષ્ય અંગે ભયભીત બન્યા હતા.
સમયના અભાવ અંગે સ્થાનિકોની નારાજગી
સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્ષેપ કર્યો કે તેમને પૂરતો સમય આપવામાં આવ્યો નથી. લોકોનું કહેવું છે કે પહેલા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અંતિમ તબક્કે માત્ર થોડા દિવસોની જ મુદત મળતા યોગ્ય વ્યવસ્થા શક્ય બની નહીં. ઘરનો સામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો છે અને પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. સ્થાનિકોએ વૈકલ્પિક રહેણાંક વ્યવસ્થા કરવાની માગ સાથે સરકાર અને તંત્ર પાસે ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી છે.
સરકાર સામે સહાયની માગ ઉઠી
બેઘર બનેલા લોકોનું કહેવું છે કે જો જગ્યા ખાલી કરાવવી જ હતી તો અગાઉથી યોગ્ય પુનર્વસન યોજના અમલમાં મૂકવી જોઈએ હતી. ઘણા લોકો રોજીરોટી માટે દૈનિક મજૂરી પર આધારિત હોવાથી અચાનક આવી પરિસ્થિતિએ જીવન વધુ મુશ્કેલ બનાવી દીધું છે. સરદારનગર વિસ્તારમાં AMCની કાર્યવાહી બાદ સામાજિક અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. હવે તંત્ર દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

