ધરમપુરના કેળવણી ગામમાં ચોમાસાની આફત: પાકા રસ્તાના અભાવે ૩૫ પરિવારો ભગવાન ભરોસે!
ચોમાસાની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેળવણી ગામના ખોરી ફળિયાના રહીશો માટે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. છેલ્લા ૧૫ વર્ષથી પાકા રસ્તાની માંગણી કરી રહેલા સ્થાનિકો માટે તંત્રની ઉદાસીનતા હવે જીવલેણ સાબિત થઈ રહી છે. રસ્તાના અભાવે આખો ફળિયો જાણે મુખ્ય પ્રવાહથી કપાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
15 વર્ષની લાંબી રાહ છતાં પરિણામ શૂન્ય
કેળવણી ગામના ખોરી ફળિયામાં અંદાજે ૩૫ થી ૪૦ પરિવારો વસવાટ કરે છે. છેલ્લા દોઢ દાયકાથી ગ્રામજનો સ્થાનિક તંત્ર અને વહીવટી અધિકારીઓને પાકા રસ્તા માટે સતત અરજીઓ કરી રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં, પરિણામ માત્ર શૂન્ય છે. રસ્તો ન હોવાને કારણે વર્ષોથી લોકો હાલાકી વેઠવામાં મજબૂર બન્યા છે, પરંતુ તેમની વેદના સાંભળવા વાળું કોઈ નથી.
108 એમ્બ્યુલન્સ માટે પણ રસ્તો બંધ
આ વિસ્તારની સૌથી ભયજનક સ્થિતિ એ છે કે, ચોમાસા દરમિયાન રસ્તો અત્યંત જર્જરિત અને કાદવ-કીચડથી ભરાઈ જાય છે. આ સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો ૧૦૮ એમ્બ્યુલન્સ પણ ફળિયા સુધી પહોંચી શકતી નથી. સગર્ભા મહિલાઓ કે વૃદ્ધો માટે ઇમરજન્સીના સમયે હોસ્પિટલ પહોંચવું એ કોઈ મોટી જંગ જીતવા સમાન બની જાય છે. જીવના જોખમે લોકોને અત્યંત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
તંત્રની આંખ આડા કાનની નીતિ ક્યાં સુધી?
ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારોના વિકાસની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે કેળવણીના આ રહીશોએ પાયાની સુવિધા માટે વલખાં મારવા પડે છે, તે તંત્ર માટે શરમજનક છે. શું કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે?
સ્થાનિકોનો સવાલ:
આખરે કેળવણી ગામના રહીશોના હકનો રસ્તો ક્યારે બનશે?
તંત્ર ક્યાં સુધી જનતાની આ લાચારી અને વેદના તરફ આંખ આડા કાન કરશે?
આ પરિસ્થિતિમાં વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠી છે, જેથી સામાન્ય નાગરિકોને સુરક્ષિત અને સુગમ રસ્તો મળી શકે.

