ધોળકા અનંતરાવ હોલમાં મહિલાઓને રોજગાર અને સ્વાવલંબન માટે માર્ગદર્શન સાથે ભરતી પ્રક્રિયા
અમદાવાદ જિલ્લા રોજગાર કચેરી અને મહિલા બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ધોળકાના શ્રી અનંતરાવ હોલ ખાતે મહિલાઓ માટે એક વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ હાજર રહીને મહિલાઓને કારકિર્દી ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ મેળામાં આશરે ૩૨૦થી વધુ રોજગાર ઈચ્છુક મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાંથી ૩૧૯ બહેનોએ સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરાવીને વિવિધ કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
અગ્રગણ્ય કંપનીઓ દ્વારા સ્થળ પર જ પસંદગીની પ્રક્રિયા
આ ભરતી મેળામાં અરવિંદ સ્માર્ટ ટેક્સટાઇલ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ૦૫ જેટલી જાણીતી કંપનીઓએ ભાગ લીધો હતો. ધોરણ ૮ પાસથી લઈને ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા જેવી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓની તેમની કુશળતા મુજબ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલ ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક પત્રો આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક કક્ષાએ જ મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડી તેમને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે.
સ્વરોજગાર માર્ગદર્શન અને સરકારી સહાયનું વિતરણ
ભરતી મેળાની સાથે સાથે બહેનો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે સ્વરોજગાર માર્ગદર્શન શિબિર પણ યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારની લોન અને સબસિડી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્વ-સહાય જૂથની મહિલાઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું અને ‘વ્હાલી દીકરી યોજના’ના લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

