ઊંઘવાના 3 કલાક પહેલા ભોજન કરી લેવું જોઈએ: લેટેસ્ટ સ્ટડીમાં દાવો, ગંભીર બીમારીઓ રહેશે નિયંત્રણમાં
જો તમે રાત્રે સૂતા પહેલા ઓછામાં ઓછા 3 કલાક વહેલા જમી લેવાની આદત કેળવો છો, તો તે તમારા શરીર માટે વરદાન સાબિત થઈ શકે છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રકારનું રૂટિન બનાવવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી સરળતાથી બચી શકાય છે.
હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ ઘટશે
નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ, રાત્રે વહેલા ભોજન કરવાથી હાઈ બ્લડ પ્રેશરથી લઈને હૃદયની બીમારીઓ સુધીનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. સંશોધકો જણાવે છે કે રાત્રે વહેલા જમવાથી શરીરમાં મેટાબોલિઝમ (ચયાપચયની ક્રિયા) સુધરે છે અને ઊંઘની ગુણવત્તામાં પણ વધારો થાય છે.
વૈજ્ઞાનિકોના મતે આપણું શરીર ‘સર્કેડિયન રિધમ’ (શરીરની કુદરતી ઘડિયાળ) મુજબ કામ કરે છે. જો તમે મોડી રાત્રે ખોરાક લો છો, તો આ કુદરતી ઘડિયાળના કાર્યોમાં વિક્ષેપ પડે છે. મોડી રાત્રે ખાવાથી પાચનતંત્ર આખી રાત સક્રિય રહે છે, જેના કારણે શરીરને આરામ મળવાને બદલે સતત કામ કરવું પડે છે. પરિણામે મેટાબોલિઝમ બગડે છે અને સુગર તેમજ હાર્ટ ડિસીઝ જેવી સમસ્યાઓ ઉભી થાય છે.
કેવી રીતે કરવામાં આવ્યું આ સંશોધન?
આ અભ્યાસમાં 36 થી 75 વર્ષની વયના 139 એવા લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેમનું વજન વધારે હતું અને તેમને ડાયાબિટીસ કે હૃદય રોગ થવાનું જોખમ હતું. આ લોકોને બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા:
- એક જૂથે 16 કલાકનો ઉપવાસ રાખ્યો હતો.
- બીજા જૂથે 13 કલાકનો ઉપવાસ રાખ્યો હતો.
બંને જૂથના લોકોને સૂવાના 3 કલાક પહેલા ખાવાનું બંધ કરવાની અને લાઈટ ઓછી કરવાની સલાહ આપવામાં આવી હતી. પરિણામોમાં જાણવા મળ્યું કે જે લોકોએ લાંબો સમય ફાસ્ટિંગ કર્યું, તેમનું બ્લડ પ્રેશર ઘટ્યું અને સુગર પણ નિયંત્રણમાં રહી. આ ઉપરાંત તેમના શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી અને ગ્લુકોઝ ટોલરન્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
રાત્રે 8 વાગ્યા સુધીમાં જમી લેવાનો પ્રયત્ન કરો
નિષ્ણાતો સલાહ આપે છે કે તંદુરસ્ત રહેવા માટે રાત્રે 8 વાગ્યા સુધીમાં ભોજન કરી લેવું જોઈએ અને રાત્રે 11 વાગ્યા સુધીમાં સૂઈ જવું જોઈએ. આ પેટર્ન ફોલો કરવાથી માત્ર પાચન જ નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જોકે, આ પ્રકારના કોઈપણ ડાયટ અથવા રૂટિનને ફોલો કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

